
ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે, ન્યુ યોર્ક શહેરમાં વિશ્વ વિખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ભારતીય ત્રિરંગાના રંગોથી ઝળહળી ઉઠ્યું હતુ. શનિવાર, 15 ઓગસ્ટના રોજ, ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) ના સહયોગથી, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગે તેના પ્રતિષ્ઠિત ટાવર લાઇટ્સને ખાસ કરીને લીલા, સફેદ અને નારંગી (કેસર) રંગથી પ્રકાશિત કર્યા હતા. ત્યારે આ પ્રસંગે તારક મહેતાની સ્ટારકાસ્ટ ત્યાં પહોંચી હતી.

આ વર્ષના 'ભારત દિવસ' ની થીમ 'વારસામાં સંવાદિતા' છે, જે ભારતીય-અમેરિકન સમુદાયને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડતા સહિયારા પરંપરાઓ, સાંસ્કૃતિક મૂલ્યો અને અમૂલ્ય યોગદાનની ઉજવણી કરે છે. ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના કલાકારોએ પણ આ ખાસ ઉજવણીમાં ભાગ લીધો હતો

ભારતના અત્યંત લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના કલાકારોએ તેમની હાજરીથી આ ઐતિહાસિક લાઇટિંગ સમારોહમાં એક ખાસ સ્પર્શ ઉમેર્યો. શોના નિર્માતા અસિત કુમાર મોદી, દિલીપ જોશી (જે જેઠાલાલનું પાત્ર ભજવે છે), મંદાર ચાંદવાડકર (ભિડે) અને સોનાલિકા જોશી (માધવી) સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે પ્રખ્યાત દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા આદિવી શેષ પણ જોડાયા હતા, જેમણે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

લાઇટિંગ સેરેમની પછી, કલાકારો અને મહેમાનોના જૂથે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના પ્રખ્યાત 'ઓબ્ઝર્વેશન ડેક એક્સપિરિયન્સ'ની મુલાકાત લીધી. નોંધનીય છે કે, આ ઓબ્ઝર્વેશન ડેકને તાજેતરમાં ટ્રિપએડવાઇઝરના '2026 ટ્રાવેલર્સ ચોઇસ એવોર્ડ્સ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ થિંગ્સ ટુ ડુ' માં સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં નંબર વન આકર્ષણ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

આ દરમિયાન અસિત મોદીએ દીલિપ જોશીના શર્ટ પર તિરંગો ફરકાવ્યો હતો અને તે અંગેનો વીડિયો શેર કરીને ભારત માતાની જય બોલાવી હતી

કલાકારોએ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ઊંચાઈઓ પરથી ન્યૂ યોર્ક શહેરના અદભુત દૃશ્યોનો આનંદ માણ્યો અને યાદગાર ફોટોગ્રાફ્સ કેદ કર્યા.