
હાઈ સ્પીડ એલિવેટેડ બુલેટ ટ્રેન દિલ્હી અને અમદાવાદ વચ્ચે દોડશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દિલ્હીથી અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સર્વેનું કામ શરૂ કર્યું છે.

આ પ્રોજેક્ટનો 75 ટકા ભાગ રાજસ્થાનમાંથી પસાર થશે. આ 886 કિલોમીટર લાંબા કોરિડોરની લંબાઈ રાજસ્થાનમાં 658 કિલોમીટર હશે. કોરિડોર બન્યા બાદ દિલ્હીથી અમદાવાદની મુસાફરી સાડા ત્રણથી ચાર કલાકમાં પૂર્ણ થશે. જેમાં દિલ્હીથી અમદાવાદ સુધી 15 સ્ટેશનો પ્રસ્તાવિત છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ ઉદયપુર જિલ્લા કલેક્ટર ચેતન દેવરાને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર પ્રેઝન્ટેશન આપ્યું અને તેની વિગતવાર ચર્ચા કરી હતી.

બુલેટ ટ્રેનનો ટ્રેક દિલ્હીના દ્વારકાથી શરૂ થશે. હરિયાણામાં બે સ્ટેશન બનશે. આ સ્ટેશનો ગુરુગ્રામ અને રેવાડીમાં બનાવવામાં આવશે. દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેનનો રૂટ એ રીતે પસંદ કરવામાં આવ્યો છે કે જેથી જમીન સંપાદન સરળતાથી થઈ શકે. આ માટે બુલેટ ટ્રેનનો ટ્રેક નેશનલ હાઈવે 48ની સમાંતર પસાર થશે.

ગુજરાતમાં બુલેટ ટ્રેનના ત્રણ સ્ટેશન બનાવવામાં આવશે. કુલ 15 સ્ટેશનો દ્વારકા (દિલ્હી), માનેસર (ગુરુગ્રામ), રેવાડી (હરિયાણા), બેહરોર, શાહપુરા, જયપુર, અજમેર, વિજય નગર, ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર, ડુંગરપુર (રાજસ્થાન), હિંમત નગર, ગાંધીનગર અને અમદાવાદ (ગુજરાત) છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)ના જોઈન્ટ જનરલ મેનેજર એમ.એસ.રાઠોડે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરતા પહેલા, જમીન સંપાદન, વિવિધ વિભાગો પાસેથી મંજૂરી અને એનઓસી, વૃક્ષો કાપવામાં 3 થી 4 વર્ષનો સમય લાગશે.