
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ મહાપર્વમાં સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ શેરી ગરબીઓમા જમાવટ હોય છે અને નાની બાળાઓથી લઇ મોટી ઉંમરની મહિલાઓ ગરબે ઘુમતી હોય છે.

શેરી ગરબીમાં સુરમધુર તાલ પુરા પાડતા જુના વાજિંત્રોનું સ્થાન હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણોઓ લઇ લીધુ છે. જેને લઇને જુના વાજિંત્રો બનાવવાનો ઉધોગ મંદીના વમળમાં ફસાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગત જુના વાજિંત્રો બનાવવામાં આવે છે. જેમાં ઢોલક, તબલા, નાના મોટા મંજીરા, ડ્રમ, ડાક સહીતના સાધનો બનાવવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં ડીજે સહીતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે આ જુના વાજિંત્રો પોતાનુ અસ્તિત્વ બચાવવા રીતસર ઝઝુમી રહ્યાં છે.

આ ઉધોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત પણ કફોડી બની છે, અગાઉ નવરાત્રી પહેલા એકથી દોઢ મહિના સુધી ઘરાકી રહેતી હતી, પરંતુ કોરોનાકાળ બાદ હાલ માંડ 70 ટકા ઘરાકી છે.

કારીગરો દ્વારા મોટા પ્રમાણમાં વાજિંત્રો બનાવી તૈયાર કરી દેવામાં આવ્યા છે, પરંતુ ઘરાકી ન હોવાના કારણે આ તૈયાર માલ આ વર્ષે પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઇ છે.

સુરેન્દ્રનગર વઢવાણ તેમજ જિલ્લામાં અંદાજે 50થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે, ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના આક્રમણ સામે આગામી સમયમાં આ પરંપરાગત વાજિંત્રો તેમજ તેના કારીગરો લુપ્ત થઇ જાય તેવી પણ શક્યતા છે.(Input Credit: sajid Belim)