
સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસ યુવા કથા ચાલી રહી છે. ગઈકાલે કથાનો ચોથો દિવસ હતો. ચોથા દિવસે કથા સ્થળે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ.

સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતુ અને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કથા મંડપને પણ ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 51 કિલોની કેક દાદાને ધરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે, હનુમાન જન્મોત્સવ નિમિત્તે કથા સમિતિ દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપતી ખાસ કેક બનાવવામાં આવી હતી. તેનું કટિંગ પણ કરાયું હતું. આ દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સ્ટેજ પરથી હરિપ્રકાશ સ્વામી અને આમંત્રિત મહેમાન દ્વારા 51 કિલો કેકનું કટિંગ કરાયું હતું.

હનુમાન જન્મોત્સવ નિમિત્તે 8 હજારથી વધુ દીવાથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી ઉતારાઈ હતી.

ગ્રાઉન્ડમાં ઉપસ્થિત 70 હજારથી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ કરતાં આખું ગ્રાઉન્ડ ઝળહળી ઉઠ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હનુમાન જન્મોત્સવ પહેલાં એક સાથે આખું ગ્રાઉન્ડ હનુમાનમય બન્યું હતું.