
2006માં ફેડરર ટેનિસનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો. વિમ્બલ્ડન ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયન ઓપન અને યુ.એસ. ઓપનમાં વિજયી બન્યો હતો અને સતત ત્રણ વર્ષ આ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. 2007માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં, તેણે તેનું 10મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું

ફેડરરે 2008 બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકા સાથે જોડી બનાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફેડરરે ઓગસ્ટ 2008માં નડાલ સામે તેની નંબર વન વર્લ્ડ રેન્કિંગ ગુમાવી દીધી અને રેન્કિંગમાં સતત 237 અઠવાડિયાના તેના રેકોર્ડનો અંત આવ્યો.

જૂન 2009માં ફેડરરે પ્રથમ ફ્રેન્ચ ઓપન જીતી તેની કારકિર્દીમાં ચારે ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યા હતા અને સાથે જ સૌથી વધુ 14 ગ્રાન્ડ સ્લેમ જીતવાના સામ્પ્રાસના રેકોર્ડની બરાબરી કરી હતી.

ફેડરરે 2017માં રેકોર્ડબ્રેક આઠમું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. જ્યારે 2018માં કારકિર્દીનું છઠ્ઠું ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. આ જીત સાથે, ફેડરરે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ પુરૂષ સિંગલ્સ ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ ફેડરરેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાબિત થયું હતું.

24 વર્ષથી વધુની કારકિર્દીમાં 1500થી વધુ મેચ રમનાર ફેડરરે 2003માં માત્ર 21 વર્ષની વયે વિમ્બલ્ડનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. હવે 41 વર્ષની ઉંમરે તેણે કુલ 20 ગ્રાન્ડ સ્લેમ સાથે તેને ટેનિસમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બરમાં લેવર કપમાં રોજર ફેડરરે અંતિમ વખત ટેનિસ કોર્ટ પર મેચમાં દેખાયો હતો. છેલ્લી મેચમાં રોજર તેના દિગ્ગજ હરીફ રાફેલ નડાલ સાથે કોર્ટ પર દેખાયા હતા.

રોજર ફેડરર વિશ્વના સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. તેની નેટવર્થ કોઈ પણ ટેનિસ ખેલાડી કરતાં વધુ છે. તે ટેનિસમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ અને સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે ત્રીજા ક્રમે છે. ફેડરરે 1100 કરોડ રૂપિયાથી વધુ પ્રાઇઝ મની જીતી છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરોડો કમાય છે.

ફેડરરે ભૂતપૂર્વ વિમેન્સ ટેનિસ એસોસિયેશન પ્લેયર મિર્કા વાવરીનેક સાથે લગ્ન કર્યા છે. તેમણે 11 એપ્રિલ 2009ના રોજ વેન્કેનહોફ વિલામાં લગ્ન કર્યા હતા. ફેડરર-મિર્કાને ચાર બાળકો છે, જેમાં બે જોડિયા દીકરીઓ અને બે જોડિયા દીકરાઓ છે.