TV9 GUJARATI | Edited By: Avnish Goswami
Jan 30, 2022 | 11:09 PM
એશ્લેહ બાર્ટીએ શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ડેનિયલ કોલિન્સને 6-3, 7-6થી હરાવતાં મહિલા સિંગલ્સ ટાઇટલ માટે યજમાન રાષ્ટ્રની 44 વર્ષની રાહનો અંત આવ્યો. આ ખેલાડીનું આ ત્રીજું મોટું ટાઈટલ છે. તેણે ત્રણ અલગ-અલગ સપાટી પર આ ત્રણ ખિતાબ જીત્યા છે. આ હાર્ડ કોર્ટ પર જીત્યા પહેલા તે ગયા વર્ષે વિમ્બલ્ડનમાં ગ્રાસ કોર્ટ અને 2019માં ફ્રેન્ચ ઓપનમાં ક્લે કોર્ટ પર ચેમ્પિયન બની હતી.
રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હારમાંથી વાપસી કરીને ડેનિલ મેદવેદેવને હરાવી રેકોર્ડ 21મું પુરૂષ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. રોમાંચક ફાઇનલ મેચમાં નડાલે 6-2, 7-6, 6-4,6-4,7-5થી જીત મેળવી હતી.
ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજિકોવા અને કેટરિના સિનિયાકોવાએ રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના અને બ્રાઝિલની બીટ્રિઝ હદ્દાદ મૈયાને હરાવીને તેમનું ચોથું ગ્રાન્ડ સ્લેમ મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. તે નંબર 1 સીડનું પ્રથમ ઓસ્ટ્રેલિયા ઓપન ટાઇટલ હતું કારણ કે ચેક જોડીએ ડેનિલિના અને હદાદ મૈયાની બિનક્રમાંકિત જોડીને 6-7(3), 6-4, 6-4થી હરાવ્યા હતા.
નિક કિરીઓસ અને થાનાસી કોકિનાકીસે તેમના જ દેશના થુઇ એબ્ડોન અને મેક્સ પરસેલની અન્ય જોડીને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું. નિક અને થાનાસીએ 7-5 6-4થી મેચ જીતી હતી.
જુનિયર કેટેગરીમાં વિમેન્સ સિંગલનું ટાઈટલ ક્રોએશિયાની પેટ્રા માર્કિન્કોએ પોતાના નામે કર્યું. ટોચની ક્રમાંકિત ખેલાડીએ ફાઇનલમાં બેલ્જિયમની સોફિયા કોસ્ટૂલ્સને 7-5, 6-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. વિશ્વના નંબર વન ખેલાડીએ 16 મિનિટમાં આ ખિતાબ જીતી લીધો હતો.
અમેરિકાના બ્રુનુ કુજુહારાએ જેકબ મેન્સિકને 7-6(4) 6-7(8) 7-5થી હરાવી જુનિયર મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું હતું. મેચના અંતે જેકબ જમીન પર પડી ગયો, ત્યારબાદ બ્રુનુને વિજેતા જાહેર કરવામાં આવ્યો. બ્રુનુએ જુનિયર મેન્સ ડબલ્સનો ખિતાબ પણ જીત્યો હતો.
ફ્રાન્સની ક્રિસ્ટિના મ્લાડેનોવિક અને ક્રોએશિયાના ઇવાન ડોડિચે ઓસ્ટ્રેલિયાના જેમી ફોરલિસ અને જેસન કુબલરને 6-3, 6-4થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. મ્લાડેનોવિકે ડેનિયલ નેસ્ટર સાથે 2014માં આ ટાઈટલ જીત્યું હતું. આ સિવાય તેણે 2018 અને 2020માં મહિલા ડબલ્સનો ખિતાબ પણ જીત્યો હતો. ડોડિચ અગાઉ બે મેન્સ ડબલ્સ અને ત્રણ મિક્સ ડબલ્સ ટાઈટલ જીતી ચૂક્યા છે.