
સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને 'ક્લે કોર્ટનો રાજા' કહેવામાં આવે છે. નડાલે રવિવારે ફ્રેન્ચ ઓપન 2022ની ફાઈનલ મેચમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પાંચમાં ક્રમાંકિત નડાલે 6-3, 6-3, 6-0થી નોર્વેના કેસ્પર રૂડને હરાવીને 14મી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

નડાલ ટેનિસ અને ખાસ કરીને ક્લે કોર્ટ પર ખતરનાક ખેલાડી છે. પણ કોર્ટની બહાર તેનો સ્વભાવ એકદમ સરળ છે. નડાલની લવ લાઈફ પણ એકદમ રોમેન્ટિક છે. રાફેલ નડાલે તેની ગર્લફ્રેન્ડ મારિયા ફ્રાન્સિસ્કા (Maria Francisca Perello)પેરેલો સાથે 2019માં લગ્ન કર્યા હતા.

રાફેલ નડાલ અને મારિયા ફ્રાન્સિસ્કા પેરેલોએ 2005માં ડેટિંગ શરૂ કરી હતી. લગભગ 14 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેએ સ્પેનના સૌથી મોંઘા રિસોર્ટ 'લા ફોર્ટાલેઝા'માં લગ્ન કર્યા હતા.

રાફેલ નડાલની પત્ની મારિયા પેરેલો વ્યવસાયે વીમા એજન્ટ છે. તે 'રાફા નડાલ ફાઉન્ડેશન'ની પ્રોજેક્ટ મેનેજર પણ છે. નડાલની પત્ની મારિયા પેરેલો ખૂબ જ ગ્લેમરસ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

મારિયા પેરેલો અવારનવાર રાફેલ નડાલની મેચ જોવા આવે છે. મારિયા અને નડાલ હજુ માતા-પિતા નથી. રાફેલ નડાલે આ વિશે કહ્યું હતું કે તે પિતા બનવા માંગે છે, પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છે.

નડાલ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે જે મહેલમાં રહે છે તેની કિંમત 30 કરોડ રૂપિયા છે. આ મહેલ નડાલે વર્ષ 2013માં બનાવ્યો હતો. રાફેલ નડાલ 1500 કરોડથી વધુની સંપત્તિના માલિક છે.

36 વર્ષીય રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. નડાલનું આ 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. આ મામલામાં રોજર ફેડરર અને નોવાક જોકોવિચ 20-20 ટાઇટલ સાથે બીજા ક્રમે છે.