
FIFA વર્લ્ડ કપ 2026માં પ્રથમ વખત રમી રહેલી કુરાકાઓની ટીમે ફૂટબોલ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જર્મની સામેની કારમી હાર બાદ ઈક્વાડોર સામે ડ્રો રમનાર આ ટીમ હવે મેદાન બહારના અનોખા નિયમને કારણે પણ ચર્ચામાં છે.

સામાન્ય રીતે મોટી ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત રાખવા માટે પત્ની કે પાર્ટનરથી અલગ રાખવામાં આવે છે. ઘણી ટીમોમાં તો મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. જોકે, કુરાકાઓએ આ પરંપરાગત રીતથી અલગ રસ્તો અપનાવ્યો છે.

ટીમના મેડિકલ સ્ટાફના એક સભ્યના જણાવ્યા મુજબ, ખેલાડીઓને સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોટલના રૂમ શેર કરવાની સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયે ફૂટબોલ જગતમાં આશ્ચર્ય સર્જ્યું છે.

આ નિયમ પાછળ કુરાકાઓના અનુભવી ડચ કોચ ડિક એડવોકેટની વિચારધારા જવાબદાર છે. તેમનું માનવું છે કે ખેલાડીઓ માનસિક રીતે જેટલા વધુ શાંત અને ખુશ રહેશે, તેટલું જ તેઓ મેદાન પર સારું પ્રદર્શન કરી શકશે. તેથી ટીમમાં આરામદાયક અને સકારાત્મક વાતાવરણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

માત્ર 1.5 લાખની વસ્તી ધરાવતો દેશ કુરાકાઓ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ છે. ગ્રુપ E માં સામેલ આ ટીમે જર્મની સામે 1-7થી હાર્યા બાદ ઈક્વાડોર સામેનો મહત્વપૂર્ણ મુકાબલો 0-0 થી ડ્રો કર્યો હતો. હવે તેમની નજર અંતિમ ગ્રુપ મેચમાં આઈવરી કોસ્ટ સામે સારો દેખાવ કરવા પર રહેશે. (PC:X/INSTAGRAM)