
મરે 2008 અને 2012 ની વચ્ચે ચાર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં હારી ગયો હતો. મરેને સફળતા ઓગસ્ટ 2012માં મળી, જ્યારે તેણે છેલ્લે લંડન ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં મરેએ ફેડરરને વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટ પર હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2012માં લંડન ઓલિમ્પિક ગેમ્સના માંડ એક મહિના પછી યુ.એસ. ઓપનમાં તેણે જોકોવિચને ફાઈનલમાં હરાવી તેનું સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું.

જુલાઈ 2013માં મરેએ વિમ્બલ્ડનની ફાઇનલમાં એકતરફી મુકાબલામાં જોકોવિચને હરાવી પહેલું વિમ્બલ્ડન અને બીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતું. ફ્રેડ પેરી (77 વર્ષ ) બાદ વિમ્બલ્ડન પુરૂષ સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી બન્યો હતો.

2016માં જુલાઈમાં મરે તેનું બીજું વિમ્બલ્ડન મેન્સ સિંગલ ટાઇટલ અને ત્રીજું ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. જે તેનું અંતિમ ગ્રાન્ડસ્લેમ પણ સાબિત થયું હતું. ઓગષ્ટમાં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં તેણે પુરુષોની સિંગલ્સ ટેનિસમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મરેને 2013માં ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (OBE) બનાવવામાં આવ્યો હતો અને 2017ના નવા વર્ષની ઓનર્સની યાદીમાં તેને નાઈટહુડથી નવાજવામાં આવ્યો હતો.

મરેએ 2005માં ખેલાડીમાંથી કોચ બનેલા નિગેલ સીઅર્સની પુત્રી કિમ સીઅર્સ સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. નવેમ્બર 2014માં તેમની સગાઈની થઈ હતી, જ્યારે 11 એપ્રિલ 2015ના રોજ ડનબ્લેન કેથેડ્રલમાં તેમના લગ્ન થયા હતા. બંનેને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે.

એન્ડી મરે ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે ચોથા ક્રમે છે. મરેએ તેની કારકિર્દીમાં 530 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી છે. આ સિવાય એન્ડોર્સમેન્ટથી પણ તે કરોડોની કમાણી કરે છે. (all photo courtesy: google)