36મી નેશનલ ગેમ્સ સાથે વડોદરાવાસીઓને જોડવા ફન સ્ટ્રીટમાં વહેલી સવારે હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ રમત દ્વારા એક્તાના સંદેશને સહુએ વિવિધ રીતે વધાવ્યો હતો. કોરોના લોકડાઉન પહેલા અકોટા દાંડિયા બજાર રોડ પર યોજાતા ફન સ્ટ્રીટમાં હજારો લોકો ઉમટી પડતા હતા, આ દૃશ્યો આજે ફરી જીવંત થયા હતા.
વડોદરા મહાનગરપાલિકાએ યોજેલા ફન સ્ટ્રીટ ફેરમાં લોકોએ અનોખી મોજ મસ્તી દ્વારા આ મહાખેલ આયોજનને આવકાર્યુ હતુ. જાહેર માર્ગને મેદાન બનાવીને લોકોએ ઝૂંબા, એરોબિક્સ કસરતી નૃત્યો અને વિવિધ રમતો રમવાનો ઉત્સાહ માણ્યો હતો.
ફન સ્ટ્રીટમાં સેલ્ફી ઝોનની રાખવામાં આવેલી સુવિધાનો ઉત્સાહભેર ઉપયોગ કરીને લોકોએ સાવજ સાથે તસ્વિરો ક્લિક કરી મોજીલી યાદો તેમની ફોટો ગેલેરીમાં સેવ કરી હતી.
36મા રાષ્ટ્રીય રમતોત્સવની ચેતના જગાવવા વડોદરા મહાનગરપાલિકાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અન્ય વિભાગો તેમજ રમત મંડળોના સહયોગથી ત્રણ દિવસના રમત આયોજનો કર્યો છે. જેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા 50 દિવ્યાંગ બાળકોએ પણ 50 મીટરની દોડ લગાવી હતી.
રોજ અસંખ્ય વાહનોથી ધમધમતા આ માર્ગ પર મર્યાદિત સમય માટે વાહન વ્યવહાર રોકી દેવાયો હતો અને ખેલનું મેદાન બનાવી દેવાયો હતો.
ફન સ્ટ્રીટમાં મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલ, હિતેન્દ્ર પટણી સહિતના મહાનુભાવોએ પણ જોડાઈને ઉત્સાહ બમણો કર્યો હતો.
હોંશભેર ઉમટેલા લોકોએ વિવિધ રમતોની મજા માણી હતી. જેમા પિગબોલ, તિરંદાજી, ડાર્ટ ગેમ, ટર્ન બોલ, ચેલેન્જ, બાસ્કેટ બોલ, મિનિ ટેનિસ સહિતની રમતોને મનભરીને માણી હતી
કેરમ, સંગીતમય યોગ, કબડ્ડી, એથલેટિક્સ, પાવર લિફ્ટિંગ, જેવી રમતો રમીને ખેલ ચેતના અભિવ્યક્ત કરી હતી.
શહેર પોલીસના ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર અને વાહન ચાલકોમાં શિસ્ત અને કાયદા પાલનની જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં યુવતિઓ પણ હોંશભેર જોડાઈ હતી. અને ઝુમ્બાની મજા માણી હતી.
મ્યુઝિક યોગામાં અનેક યુવતિઓ જોડાઈ હતી.
અહીં પેઈન્ટિંગ સહિત વિવિધ રમતોમાં નાના-મોટા, સહુએ હોંશભેર ભાગ લીધો હતો.
Published On - 5:46 pm, Sun, 18 September 22