મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે.
આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શિવલિંગ 1.25 લાખ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું છે. જેને બનાવવા માટે 25 જેટલા કારીગરો નેપાળથી આવ્યા હતા.
7, 8 અને 9 માર્ચ એમ ત્રણ જાહેર જનતા માટે દર્શન કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. શિવરાત્રીના દિવસે રાત્રે આરતી થયા પછી આ શિવલિંગના રુદ્રાક્ષ બધાને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાંથી લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ ભવ્ય શિવલિંગના દર્શન કરીને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ શિવલિંગની બાજુમાં અયોધ્યાનો આબેહૂબ રામ પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે રામલલ્લાનો વિશાળ દરબાર આકર્ષણનું કેન્દ્ર છે.