
બે વર્ષ પહેલા આજના દિવસે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની સૌથી વધુ અસર દૈનિક વેતન કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને સ્થળાંતર કામદારોને થઈ હતી. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહથી જરૂરિયાતમંદોની મદદ કરી હતી.

આ લિસ્ટમાં પહેલું નામ એક્ટર સોનુ સૂદનું આવે છે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદને મસીહા તરીકે ઓળખ મળી હતી.લોકડાઉનમાં સોનુએ ઘણા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કર્યું. આ સાથે તેમણે લોકોને રાશન અને મેડિકલ સુવિધા પણ આપી હતી.

શાહરૂખ ખાને છત્તીસગઢમાં આરોગ્ય કર્મચારીઓ માટે બે હજાર PPE કીટ દાનમાં આપી હતી. આ સિવાય તેણે કેરળમાં 20 હજાર N-95 માસ્ક દાનમાં આપ્યા હતા. શાહરૂખે તેની ઓફિસની જગ્યા પણ ક્વોરેન્ટાઇન સુવિધા માટે આપી હતી.

લોકડાઉનના શરૂઆતના દિવસોમાં પ્રિયંકા ચોપરાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે લોકડાઉન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓને એક લાખ ડોલરનું દાન કરશે. આ સાથે તેમણે મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતી કંપનીને પણ સહયોગ આપ્યો હતો.

શબાના આઝમીએ એક્શન એઈડ ઈન્ડિયા નામના NGO ને 10 લાખ રૂપિયાનુ દાન આપીને જરૂરિયાતમંદોને મદદ કરી. આ ઉપરાંત તેમણે 21 રાજ્યોના 172 જિલ્લામાં જરૂરિયાતમંદોને સહાય આપી હતી.

લોકડાઉન દરમિયાન સલમાન ખાને બીઇંગ હેંગરી નામની ફૂડ ટ્રક શરૂ કરી, જેના દ્વારા લોકોને રાશન પહોંચાડવામાં આવતુ હતુ. આ સિવાય તેણે મુંબઈ પોલીસને એક લાખ સેનિટાઈઝર પણ પહોંચાડ્યા હતા. આ સાથે અભિનેતાએ 'અન્ન દાન' નામનું અભિયાન શરૂ કર્યું, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચી શકે.

આયુષ્માન ખુરાનાએ તેની પત્ની તાહિરા કશ્યપ સાથે મળીને જરૂરિયાતમંદ મહિલાઓની મદદ કરી. આ સિવાય તેણે PM કેર ફંડમાં પણ કેટલીક રકમ દાન કરી હતી.

અજય દેવગનના ફાઉન્ડેશન દ્વારા ધારાવી મુંબઈના આરોગ્ય કેન્દ્ર માટે ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત અભિનેતાના ફાઉન્ડેશન દ્વારા ધારાવીના લગભગ 700 પરિવારોને રાશન કીટ પણ આપવામાં આવી હતી.