
આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે. ચાલો ચકલી બચાવીએ, ખેડૂતને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ

ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચા થાય છે ત્યારે બચ્ચાને ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂતના પાકને નુકશાનકારક તત્વો જેવા કે ઈયળ, તીડને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે.

જેનાથી ખેડૂતોના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણમાં રહે છે અને ખેડૂતોને ઈયળ, તીડને મારવા માટે વાપરવા પડતા ઝેરી કેમિકલ વાપરવાની જરૂર પડતી નથી. જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.

પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી, એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણીની દીશામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.

આપણા ઘરે બાળકનો જન્મ થાય ત્યારે આપણા આનંદનો પાર નથી રહેતો એવા સમયે આપણે હર્ષોલ્લાસની સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ. આપણા ઘરે ઉજવાતા જન્મ દિવસ, લગ્ન પ્રસંગ અને નાનાંમોટાં સામાજિક કૌટુંબિક પ્રસંગો સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ. જ્યારે પણ આપણા ઘરના ઉંમર લાયક સભ્યનું મૃત્યું થાય તો તેમની આત્માની શાંતી માટે આપણે અનેક કામ કરીએ છીએ તો પછી આપણે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી અર્પણ કરીએ. જ્યારે પણ સારી નોકરી મળે નોકરીમાં પ્રમોશન મળે, ધંધા રોજગારમાં સારો ફાયદો થાય આપણા જીવનમાં મળતી દરેક સફળતામાં ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.

પર્યાવરણ બચાવો,ચકલી બચી જશે: આપણા પરિવાર માટે દુનિયાની મોંઘાંમાં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વીને પ્રદુષણથી બચાવવી જ પડશે, તેથી આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇને પર્યાવરણને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. પર્યાવરણ અને વૃક્ષો અને પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ અનેક સંસ્થાઓ અને સરકાર કાર્યરત છે. પ્રકૃતિએ મનુષ્યને ઘણું બધું આપ્યું છે, પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી. તેથી જ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી પ્રકૃતિ બચાવવા મદદરૂપ થવું જ પડશે.