શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મુંબઈમાં બનેલો 1 કિલો પ્યોર સોનાનો હીરાજડિત મુગટ કરાયો અર્પણ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
1 / 6
આ શતામૃત મહોત્સવમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક કિલો સોનાનો પ્યોર હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
2 / 6
આ અંગે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી(અથાણાવાળા) દ્વારા જણાવવામાં આવ્યું કે, 'હનુમાનજી દાદાની મૂર્તિની સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં સ્થાપના કર્યાને 175 વર્ષ થતાં શતામૃત મહોત્સવના સાક્ષીરૂપે હનુમાનજી દાદાને ત્યાં વર્ષોથી પૂનમ ભરતા એક પરમ ભક્તે ઈચ્છા વ્યક્ત કરી હતી.
3 / 6
શ્રીજી મહારાજના રામદૂત હનુમાન ભક્તના હૃદયમાં એવો ભાવ હતો કે, મારે દાદાને એક કિલો સોનું અર્પણ કરવું છે, ત્યારે અમે કહ્યું કે દાદાનો પ્રસંગ છે. એમાં જો એકદમ અદભૂત સુવર્ણ મુગટ બનાવીને આપણે અર્પણ કરીએ તો હનુમાનજી દાદાના શીર પર દર પૂનમે તથા એકાદશીએ ધારણ કરશે.
4 / 6
તેમણે તરત ભાવને સ્વીકાર્યો અને દાદાને પ્રેમને વશ થઈ અમારા હૃદયમાં જે કાંઈ ડિઝાઈનો સૂજી તે મુજબ કલાત્મક ડિઝાઈન બનાવી છે. આ મુગટમાં કલગી સાથે બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. અમારો જેવો ભાવ હતો તેવો મુગટ બનાવ્યો હતો. દાદા આ મુગટ ધારણ કરશે ત્યારે હનુમાનજી મહારાજ ખૂબ રાજીપો વ્યક્ત કરશે તેવી ભાવના હતી.
5 / 6
મુંબઈમાં બનેલા સુવર્ણ હીરાજડિત મુગટની વિશેષતામાં 1 કિલો પ્યોર સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રજવાડી કલગીવાળા મુગટમાં બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. બંને પોપટ પર હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે. મુગટમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર કરાયું છે. 18 કારીગરોએ 3 મહિનાની મહેનતે મુગટ તૈયાર કર્યો છે. હીરાજડિત મુગટમાં ફૂલ, ઝાડ, કમળની ડિઝાઈન પણ અંકિત કરાઈ છે. મુગટ 1.3 ફૂટ ઊંચો અને 1.6 ફૂટ પહોળો છે. મુગટમાં બે કમળની આકૃતિ અંકિત કરાઈ છે. સુવર્ણ હીરાજડિત કુંડળમાં પણ પોપટની આકૃતિ અંકિત કરાયેલી છે.
6 / 6
મહત્ત્વનું છે કે, દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગીના ફૂલોથી શણગારવામાં આવેલ વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ દ્વારા આરતી-પૂજન-અર્ચન દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન કરાયું હતું. તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.