
સોના અને ચાંદીની સાથે હવે ઘણા લોકો હીરા પણ ખરીદે છે અને તેને વીંટી, પેન્ડન્ટ અથવા કાનની બુટ્ટીમાં જડાવીને પહેરે છે. હીરા દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ તે ખરેખર અસલી છે કે નહીં, તેની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે.

આજના સમયમાં સોનું, ચાંદી અને હીરા જેવી કિંમતી વસ્તુઓની પણ નકલી વસ્તુઓ બજારમાં જોવા મળે છે. તેથી હીરો ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે હીરો લેવાનું વિચારી રહ્યા છો, તો તેની અસલિયત ઓળખવાની સરળ રીતો જાણવી તમારા માટે ફાયદાકારક રહેશે.

અસલી હીરો કાર્બનમાંથી બનેલો કુદરતી કિંમતી સ્ફટિકીય છે, જ્યારે નકલી હીરો કાચ અથવા અન્ય કૃત્રિમ સામગ્રીથી બનાવવામાં આવે છે. ઘણા લોકો હીરો ખરીદતી વખતે માત્ર તેની ચમક અને ડિઝાઇન જુએ છે, પરંતુ પ્રમાણપત્ર અને ગુણવત્તા તપાસતા નથી. આવી બેદરકારીને કારણે નકલી અથવા નીચી ગુણવત્તાનો હીરો ખરીદાઈ જવાની શક્યતા રહે છે.

એક સફેદ કાગળ પર બે મોટા પેનના નિશાન દોરો અને તેના પર હીરો મૂકો. જો હીરાની અંદરથી ટપકાં સ્પષ્ટ દેખાય, તો તે નકલી હોઈ શકે છે. જો તમે પેનનું નિશાન જોઈ શકતા નથી, ત્યારે તે હીરો અસલી હોવાની શક્યતા વધુ રહે છે.

હીરાની ઓળખ માટે તેના પર હળવેથી શ્વાસ છોડો. જો ધુમ્મસ જેવી વરાળ તરત જ ગાયબ થઈ જાય, તો હીરો અસલી હોવાની શક્યતા વધારે હોય છે. જો વરાળ થોડા સમય સુધી રહે, તો તે નકલી હોઈ શકે છે.

કેટલાક લોકો હીરાની ઓળખ માટે તેને હળવેથી ગરમ કરવાની સલાહ આપે છે. માન્યતા મુજબ નકલી હીરો હળવી ગરમીથી નુકસાન પામી શકે છે, જ્યારે અસલી હીરો વધુ તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, કિંમતી હીરા પર આવો પ્રયોગ કરવાને બદલે પ્રમાણિત જ્વેલર પાસેથી તેની તપાસ કરાવવી વધુ સુરક્ષિત છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)