વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર કમલમ જવા ભવ્ય રોડ શો યોજાયો. વડાપ્રધાન સાથે આ રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા. મોટા કાફલા સાથે આ ભવ્ય રોડ શો શરુ થયો.
વડાપ્રધાનના આગમનને લઇને માત્ર ભાજપ કાર્યકરો જ નહીં પણ સમગ્ર ગુજરાતવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કમલમમાં વડાપ્રધાનને આવકારવા માટે તેમની એક વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. કમલમમાં 18 કલાકની કવાયત બાદ આ રંગોળી તૈયાર કરાઈ છે.
વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વડાપ્રધાનનો આ કાફલો સરદારનગરથી હાંસોલ સર્કલ થઇને ભાટથી પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ તેમના સ્વાગત માટે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાનને આવકારવા માટે નાના બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો, 6 વર્ષનો નાનો બાળક મલ્હાર કમલમ પહોંચ્યો. મલ્હાર પીએમ મોદીનો સ્કેચ બનાવી તેમને મળવા પહોંચ્યો.
વડાપ્રધાન મોદી ઘણા સમય બાદ વતન ગુજરાત આવ્યા છે અને કોરોનાના કેસો પણ ઘણા ઘટી ગયા છે ત્યારે વડાપ્રધાનને આવકારવા જનમેદની ઉમટેલી જોવા મળી. વડાપ્રધાનના મુખ પર પણ વતનવાસીઓને મળવાની ખુશી જોવા મળી.