
સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.

આ પ્રેરણા સભામાં હજારો સ્ત્રી-પુરુષ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ સભામાં અનેક સંતોએ પણ હાજરી આપીને સ્વયંસેવકોની સેવાની પ્રશંસા કરી હતી.

આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સ્વયંસેવક બન્યા છે.સ્વયંસેવકો કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા, પરંતુ પોતાના પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે.

કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણામૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણાવચનો દ્વારા સંતો - સ્વયંસેવકોને આ મહોત્સવમાં યાહોમ કરવાની હાકલ કરી એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધુ. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. આ મહોત્સવ તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે. સ્વયંસેવકોની તનતોડ, નિ:સ્વાર્થ સેવાને તેમણે હ્રદયપૂર્વક વધાવી હતી.