
સવારે ઉઠીને ભાગદોડ વચ્ચે પોતાના અને પરિવાર માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રસોઈ બનાવીને ટિફિનમાં પેક કરવી એ એક મોટું કામ છે. પરંતુ આ મહેનત ત્યારે પાણીમાં વહેતી દેખાય છે જ્યારે બપોરે લંચ ટાઇમે ખોલો ત્યારે ગરમાગરમ લંચ સાવ ઠંડુ થઈ ગયું હોય. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અથવા જે લોકોનું ઘર ઓફિસથી ઘણું દૂર હોય, તેમને આ સમસ્યા રોજ થાયે છે.

ઠંડુ થઈ ગયેલું ખાણું માત્ર સ્વાદમાં જ ફીકું નથી લાગતું, પરંતુ પેટ માટે પણ ઘણીવાર ભારે સાબિત થાય છે. જો તમે પણ દરરોજ ઓફિસમાં ઠંડુ જમવાનું ખાઈને કંટાળી ગયા છો, તો આ કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે તમારા ટિફિનના ખાવાને લાંબા સમય સુધી ગરમાગરમ રાખી શકો છો.

ટિફિન પેક કરતા પહેલા 'પ્રી-હીટ' (Pre-heat) કરવાની રીત. આ સૌથી કારગર અને વૈજ્ઞાનિક રીત છે. આપણે ઘણીવાર સીધું જ ઠંડુ ટિફિન લઈએ અને તેમાં ગરમ-ગરમ શાક-રોટલી ભરી દઈએ છીએ. આમ કરવાથી ટિફિનની ઠંડી સપાટી ખોરાકની ગરમી શોષી લે છે અને ખાણું ઝડપથી ઠંડુ થઈ જાય છે.

લંચ ભરવાના બરાબર 2 થી 5 મિનિટ પહેલા ટિફિન બોક્સમાં ગરમ પાણી ભરીને મૂકી રાખો. ત્યારબાદ પાણી ફેંકી દઈને ટિફિનને સુતરાઉ કપડાથી બરાબર કોરું (ડ્રાય) કરી લો. હવે તેમાં ગરમ રસોઈ ભરો. આમ કરવાથી ટિફિન પહેલેથી જ હુંફાળું ગરમ હશે, જે અંદરના ખોરાકની ગરમીને લાંબો સમય સુધી જાળવી રાખશે.

લંચ બોક્સની યોગ્ય પસંદગી પણ જરૂરી છે. બજારમાં સુંદર દેખાતા પ્લાસ્ટિકના ટિફિન બોક્સ ભલે આકર્ષક લાગતા હોય, પરંતુ તે સ્વાસ્થ્ય અને ખાવાને ગરમ રાખવાની દ્રષ્ટિએ યોગ્ય નથી. હંમેશાં સારી ગુણવત્તાવાળા સ્ટીલના ડબલ-વોસ્ડ ઇન્સ્યુલેટેડ ટિફિન બોક્સનો જ ઉપયોગ કરો. સ્ટીલનું ટિફિન ખોરાકની ગરમીને બહાર જતી અટકાવે છે અને હાઇજિનિક પણ રહે છે. ટિફિનનું ઢાંકણ હંમેશા એટલું ચુસ્ત બંધ હોવું જોઈએ કે અંદરની વરાળ કે ગરમી બહાર ન નીકળી શકે. લંચ ટાઇમ સિવાય વારંવાર ટિફિન ખોલવાનું ટાળવું જોઈએ.

ખોરાક પેક કરતી વખતે ધ્યાન રાખવું કે તેને પૂરેપૂરું ગરમ કરો. દાળ, શાક કે ભાતને હળવા ગરમ કરીને પેક કરવાના બદલે તેને બરાબર ઉકાળીને અથવા સારી રીતે ગરમ કરીને જ સીધા ટિફિનમાં ઉતારો. ટિફિનમાં ખોરાક હંમેશા તેની ક્ષમતા મુજબ પૂરો ભરવો જોઈએ. જો ડબ્બામાં ઘણી બધી જગ્યા ખાલી રહી જશે, તો અંદર હવા ભરાશે અને ખોરાક ઝડપથી ઠંડો પડી જશે.

રોટલી અને ભાખરીની પેકિંગ સ્ટાઇલ પણ મહત્વની છે. રોટલી ક્યારેય સીધી પ્લાસ્ટિક કે સ્ટીલના ડબ્બામાં ના નાખવી. તેને હંમેશા ગરમાગરમ બનાવીને સ્વચ્છ સુતરાઉ કપડામાં, વ્રૅપ અથવા એલ્યુમિનિયમ ફોઇલ પેપરમાં લપેટીને જ ટિફિનમાં મૂકવી જેથી તે સોફ્ટ અને ગરમ રહે.

જો તમારું ઓફિસ ઘરથી ઘણું દૂર હોય અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે લાંબી મુસાફરી કરીને જવાનું થતું હોય, તો માત્ર સારું ટિફિન પૂરતું નથી. હંમેશા ઇન્સ્યુલેટેડ થર્મલ લંચ બેગ (Insulated Lunch Bag) નો જ ઉપયોગ કરો. આ પ્રકારની બેગ્સની અંદરની સપાટી એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે બહારની ઠંડી હવા કે વાતાવરણની અસર ટિફિન સુધી પહોંચવા દેતી નથી.

આ નાની-નાની અને સરળ સ્માર્ટ ટેકનિક્સ અપનાવીને તમે માત્ર પાંચ મિનિટના વધારાના પ્લાનિંગથી રોજ ઓફિસમાં ઘર જેવું તાજું, ગરમાગરમ અને સ્વાદિષ્ટ લંચ માણી શકશો. (All Image Credit Source: Social Media)