
નોકરી પર જવા માટે સમયસર તૈયાર થવું દરેક કર્મચારી માટે જરૂરી હોય છે, પરંતુ ચીનની એક જાણીતી રેસ્ટોરન્ટ ચેઇનમાં મહિલા કર્મચારીઓ માટે તૈયાર થવાનો નિયમ કંઈક અલગ જ છે. અહીં મહિલાઓએ માત્ર સ્વચ્છ કપડાં પહેરીને કામ પર પહોંચવાનું નથી, પરંતુ ફરજિયાત મેકઅપ કરીને પણ આવવું પડે છે. રસપ્રદ વાત એ છે કે આ નિયમ માત્ર ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં રહેતી મહિલાઓ પૂરતો સીમિત નથી. કેટલીક શાખાઓમાં રસોડામાં કામ કરતી અને સફાઈની જવાબદારી સંભાળતી મહિલાઓને પણ મેકઅપ કરવો પડે છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે, ચીનની જાણીતી હોટપોટ રેસ્ટોરન્ટ ચેઇન 'ન્યૂ ન્યૂ સુકિયાકી'ના આ નિયમને લઈને વિવાદ ઊભો થયો છે. શાંઘાઈથી શરૂ થયેલી આ રેસ્ટોરન્ટ જાપાની શૈલીના હોટપોટ બુફે માટે જાણીતી છે. અગાઉ એકલા જમવા આવતા ગ્રાહકો માટે ખાસ કેબિન બનાવવાના કારણે પણ આ ચેઇન ચર્ચામાં આવી હતી. જોકે, આ વખતે તેના કર્મચારીઓ માટેના નિયમોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

રેસ્ટોરન્ટની અલગ-અલગ શાખાઓમાં મેકઅપ અંગેના નિયમોમાં થોડો તફાવત જોવા મળે છે. કેટલીક જગ્યાએ માત્ર ગ્રાહકોને સેવા આપતી મહિલાઓ માટે આ નિયમ છે, જ્યારે અન્ય શાખાઓમાં તમામ મહિલા કર્મચારીઓને તેનું પાલન કરવું પડે છે. કર્મચારીઓ પાસેથી લિપસ્ટિક, આઈલાઈનર, આઈશેડો અને નકલી પાંપણો પહેરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વાળની યોગ્ય સ્ટાઇલ જાળવવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે.

બીજી તરફ, પુરુષ કર્મચારીઓ માટે મેકઅપની કોઈ શરત રાખવામાં આવી નથી. તેમની પાસેથી માત્ર સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાવ જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. મહિલા અને પુરુષ કર્મચારીઓ માટેના આ અલગ માપદંડને કારણે કંપનીની નીતિ સામે સવાલો ઊભા થયા છે.

કંપની દ્વારા પૂર્ણ સમયની મહિલા કર્મચારીઓને મેકઅપ પાછળના ખર્ચ માટે દર મહિને 100 યુઆનનું ભથ્થું આપવામાં આવે છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ આશરે 1,200થી 1,300 રૂપિયા થાય છે. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે આટલું ભથ્થું મળવાથી ફરજિયાત મેકઅપની મુશ્કેલી દૂર થતી નથી.

મેકઅપ કરવામાં લાગતો વધારાનો સમય પણ મહિલાઓ માટે મુશ્કેલી ઊભી કરે છે. કામ પૂરું થયા બાદ મેકઅપ દૂર કરવાની જવાબદારી પણ તેમની જ રહે છે. એક પૂર્વ કર્મચારીના જણાવ્યા પ્રમાણે, આ નિયમને કારણે કેટલીક મહિલાઓએ સવારે પાંચ વાગ્યા સુધીમાં તૈયાર થવું પડતું હતું.

આ વિવાદ વચ્ચે નોકરી શોધી રહેલી લિનલિનનો અનુભવ પણ સામે આવ્યો છે. તે રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ કામ કરવા ઇચ્છતી હતી, પરંતુ તેને નોકરી મળી શકી નહોતી. કારણ કે તેને યોગ્ય રીતે મેકઅપ અને હેરસ્પ્રેનો ઉપયોગ કરતાં આવડતું નહોતું. આ ઘટનાએ ભરતી પ્રક્રિયામાં કર્મચારીની આવડત કરતાં તેના દેખાવને વધુ મહત્ત્વ આપવામાં આવે છે કે કેમ તે અંગે ચર્ચા જગાવી છે.

આ મામલે સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક યુઝર્સનું કહેવું છે કે ગ્રાહકો રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન અને સારી સર્વિસ માટે આવે છે, કર્મચારીઓએ કેટલો મેકઅપ કર્યો છે તે જોવા માટે નહીં. કેટલાક લોકોએ તો સવાલ કર્યો છે કે જ્યારે પુરુષ અને મહિલા કર્મચારીઓ સમાન સમય સુધી કામ કરે છે, ત્યારે મહિલાઓએ તૈયાર થવા અને મેકઅપ ઉતારવા માટે વધારાનો સમય શા માટે ફાળવવો જોઈએ?

લોકોના મતે કર્મચારીની ઓળખ તેના દેખાવથી નહીં, પરંતુ તેની કાર્યક્ષમતા, વર્તન અને કામ પ્રત્યેની નિષ્ઠાથી થવી જોઈએ. આ ઉપરાંત, જાણીતી હોટપોટ ચેઇન હૈદિલાઓ પણ વર્ષ 2021માં મહિલા કર્મચારીઓના મેકઅપ સંબંધિત કડક નિયમોને લઈને ચર્ચામાં આવી હતી. જોકે, બાદમાં કંપનીએ આ ફરજિયાત શરત હટાવી દીધી હતી. હાલ ન્યૂ ન્યૂ સુકિયાકીના આ નિયમને કારણે ફરી એકવાર કાર્યસ્થળે મહિલાઓની વ્યક્તિગત પસંદગી, સમાનતા અને દેખાવના આધારે નક્કી થતા માપદંડો અંગે ચર્ચા શરૂ થઈ છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)