
શહેરમાં ત્રણ નવા TP રોડ નિર્માણ કરવામાં આવ્યા છે. આ રોડને લઈ શહેરના મોટા રહેણાંક વિસ્તારને શહેરમાં અવરજવર કરવા માટે મોટી સરળતા મળી રહેશે. આ સાથે જ તેની આસપાસના વિસ્તારોનુ વિકાસ કાર્ય પણ ધમધમવા લાગશે. શહેરમાં આ ત્રણેય માર્ગ સાડા પાંચ કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં વધુ સાડા ત્રણેક કરોડ રુપિયાની કિંમતના વિકાસ કાર્યોની શરુઆત કરી છે. ધારાસભ્ય વિડી ઝાલાએ કહ્યુ હતુ, શહેરની કાયાપલટ કરવા રુપ પ્રયાસ કરવામાં આવશે, જેની શરુઆત થઈ ચુકી છે.

હિંમતનગર શહેર અને તાલુકામાં વિકાસની ગતિ ઝડપી બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ માટે થઈને રુપરેખા ગત જાન્યુઆરી માસમાં ટાઉન હોલમાં તાલુકા અને શહેરના અગ્રણીઓને સ્થાનિકોની હાજરીમાં તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે. જેમાં કેનાલફ્રન્ટનો બીજો તબક્કો ઝડપથી શરુ કરાશે અને HUDA ઝડપથી લાગુ કરવા સહિત સાબર યુનિવર્સિટીની શરુઆત કરવા પ્રયાસ કરવામાં આવશે.