
ભારતીય શેરબજારમાં એક મોટા ઈવેન્ટની ચર્ચા ચાલી રહી છે — નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો આવનારો IPO. માર્કેટ નિષ્ણાતોના મતે, આ IPO શેરબજારમાં મોટો ઉછાળો લાવી શકે છે અને અત્યાર સુધીના સૌથી મોટા ઈશ્યૂમાં સામેલ થઈ શકે છે. હાલના અંદાજ મુજબ, NSEનું મૂલ્યાંકન આશરે ₹5 લાખ કરોડ આસપાસ હોઈ શકે છે, જે તેને લિસ્ટિંગ સમયે દેશની ટોચની 10 થી 15 કંપનીઓમાં સ્થાન અપાવી શકે છે.

NSE લિમિટેડે તેના IPO માટે તૈયારીઓ તેજ કરી છે અને લગભગ 20 મર્ચન્ટ બેન્કર્સની પસંદગી કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, હાલના શેરધારકો OFS (ઓફર ફોર સેલ) દ્વારા તેમના આશરે 4.5% થી 5% હિસ્સા વેચી શકે છે. આ કારણે, આ IPO દલાલ સ્ટ્રીટ પરના સૌથી મોટા IPOમાંનો એક બની શકે છે.

હાલમાં અનલિસ્ટેડ માર્કેટમાં NSEના શેરની કિંમત ₹1,900 થી ₹1,925 વચ્ચે ટ્રેડ થઈ રહી છે, જ્યારે એક સમયે તે ₹2,150 સુધી પહોંચી હતી. રોકાણકારોમાં આ IPOને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્લેષકોના મતે, NSEનું બજાર મૂલ્ય ₹4.7 લાખ કરોડથી ₹5 લાખ કરોડ વચ્ચે હોઈ શકે છે.

દેશની ટોચની 15 કંપનીઓનું માર્કેટ કેપ હાલ ₹3.77 લાખ કરોડથી ₹18.87 લાખ કરોડ વચ્ચે છે. આવી સ્થિતિમાં NSE લિસ્ટિંગ પછી સીધી ટોચની કંપનીઓમાં સામેલ થઈ શકે છે. કેટલાક અહેવાલો મુજબ, NSE IPO માટે ₹6 થી ₹7 લાખ કરોડનું મૂલ્યાંકન માંગવામાં આવી શકે છે, જે વર્તમાન અનલિસ્ટેડ ભાવ કરતાં આશરે 40% વધુ છે. જો આવું થાય, તો NSE દેશની ટોચની 10 સૌથી મોટી કંપનીઓમાં સ્થાન મેળવી શકે છે.

ગ્લોબલ સ્તરે પણ NSEનું મહત્વ વધ્યું છે. 2025માં ટ્રેડિંગ વોલ્યુમના આધારે NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇક્વિટી એક્સચેન્જ બન્યું હતું. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પણ તેનો દબદબો રહ્યો છે, જ્યાં તેનું માર્કેટ શેર 50.6% સુધી પહોંચ્યું છે.

વિશ્લેષકો માને છે કે NSE IPO અત્યાર સુધીના સૌથી મોટા IPOમાંનો એક બની શકે છે. અગાઉ Hyundai Motor India (2024)એ ₹27,858 કરોડ, LIC (2022)એ ₹20,557 કરોડ અને Paytm (2021)એ ₹18,300 કરોડ એકત્ર કર્યા હતા. હવે નજર NSEના IPO પર છે, જે શેરબજારમાં એક નવો રેકોર્ડ બનાવી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફકત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)