દેશના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ મુકેશ અંબાણી(Mukesh Ambani) માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક છે. આજે મુકેશ અંબાણીનો જન્મ દિવસ છે.મુકેશ અંબાણીનો જન્મ વર્ષ 1957માં યમન દેશના એડન શહેરમાં થયો હતો. મુકેશ અંબાણીએ લગભગ 27 વર્ષ પહેલા નીતા અંબાણી સાથે લગ્ન કર્યા જે હવે તેમની બિઝનેસ પાર્ટનર પણ છે.
મુકેશ અંબાણીએ તેમનું સ્કૂલિંગ મુંબઈ શહેરની હિલ ગ્રેન્જ હાઈસ્કૂલમાંથી કર્યું હતું. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે વધુ અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જો કે, પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા વિના મુકેશ ભારત પરત ફર્યા અને 18 વર્ષની ઉંમરે તેના પિતાના વ્યવસાયમાં જોડાયા હતા.
હાલમાં તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન અને એમડી તરીકે કામ કરી રહ્યા છે. અંબાણીની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની કુલ સંપત્તિમાંથી ભારત સરકાર 20 દિવસ સુધી દેશ ચલાવવાનો ખર્ચ ઉઠાવી શકે છે. મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી (Nita Ambani) પણ અનેક પ્રકારની ચેરિટી સાથે જોડાયેલા છે. મુકેશ અંબાણીની પુત્રી અને પુત્ર(Akash, Isha & Anant Ambani)એ પણ તેમનો બિઝનેસ સંભાળવાનું શરૂ કરી દીધું છે.
મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)ના અવસાન બાદ તેમનો બિઝનેસ તેમના બે પુત્રો વચ્ચે વહેંચાઈ ગયો હતો. ત્યારથી મુકેશ અંબાણી(Mukesh Ambani) અને અનિલ અંબાણી(Anil Ambani) પોતપોતાનો બિઝનેસ અલગથી સંભાળી રહ્યા છે. ભારત પાછા ફર્યા પછી મુકેશે તેના પિતા સાથે રિલાયન્સ કંપનીનું કામ સંભાળવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની કંપનીએ પણ એનર્જી, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, ટેક્સટાઈલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું છે.
સામાન્ય રીતે મુકેશ અંબાણી સાદા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. હોકીની રમતના શોખીન મુકેશ ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે.તેમને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે અને આ શોખને કારણે તેણે પોતાના ઘરમાં એક થિયેટર પણ બનાવ્યું છે જેમાં તે દર અઠવાડિયે ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો જુએ છે.
મુકેશ અંબાણી ભારતના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેમને સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. ભારતની કુલ કર આવકના 5% મુકેશ અંબાણીની કંપની દ્વારા કર ચુકવવામાં આવે છે. એટલું જ નહીં આપણા દેશના ઘણા લોકપ્રિય ઉદ્યોગપતિઓ જેમ કે આદિ ગોદરેજ, આનંદ મહિન્દ્રા અને આનંદ જૈન, કોઈ સમયે તેમના શાળાના સાથી હતા અને તેમની મિત્રતા આજે પણ છે.