
લૉયર (Lawyer) તેને કહેવામાં આવે છે, જેણે કાયદાનો અભ્યાસ કર્યો હોય, જેને લેગમ બેકાલોરિયસ (Legum Baccalaureus, LLB) કહેવાય છે. લૉયર કાનૂની સલાહ, દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં મદદ કરી શકે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, લૉયર કોર્ટમાં કેસ લડી શકતો નથી.

એડવોકેટ (Advocate) તેને કહેવાય છે, જેને LLB ના કાનૂની અભ્યાસ પછી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) તરફથી લાયસન્સ મળ્યું હોય. એડવોકેટ પોતાના ક્લાયન્ટ વતી કોર્ટમાં દલીલો રજૂ કરી શકે છે અને તેનો કેસ લડી શકે છે.

Lawyer અને Advocate વચ્ચે તફાવત એ છે કે, લૉયર કોર્ટમાં સીધો કેસ લડી શકતો નથી, કારણ કે કાઉન્સિલ તરફથી લાઈસન્સ ન મળ્યું હોય તેને લૉયર કહેવાય છે, જ્યારે એડવોકેટ કોર્ટમાં કેસ લડી શકે છે. જો કે, બંનેએ અભ્યાસ તો એક સરખો જ કર્યો હોય છે પરંતુ એડવોકેટ એ જ બને છે, જેણે કાઉન્સિલની પરીક્ષા પાસ કરીને લાઈસન્સ મેળવ્યું હોય.

એટલા માટે જ કહેવાય છે કે, દરેક 'એડવોકેટ' લૉયર હોય છે પરંતુ દરેક 'લૉયર' એડવોકેટ નથી હોતો. લૉયર અને એડવોકેટ વચ્ચે અવારનવાર લોકો ગૂંચવણ અનુભવે છે અને બંનેને એક જ સમજી બેસે છે. જો કે, એવું બિલકુલ નથી. ભલે બંનેનો અભ્યાસ એક જ હોય પણ બંને વચ્ચે મોટો તફાવત છે.

વાસ્તવમાં, લૉયર બનવા માટે કાનૂની અભ્યાસ 5 વર્ષનો હોય છે. જો તમે 12 મા ધોરણ પછી કાનૂની અભ્યાસ કરવા માંગો છો, તો તે 5 વર્ષનો કોર્સ હોય છે. વળી, જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને ત્યારબાદ કાનૂની અભ્યાસ કરવો છે, તો આ કોર્સ 3 વર્ષનો રહેશે.