
મેસોપોટેમીયામાં તાપુત્તી નામની એક મહિલા (રસાયણજ્ઞ) એ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ પરફ્યુમ બનાવ્યું. જેનું અસ્તિત્વ 1200 BCEમાં નોંધાયું હતું. મેસોપોટાપિન સરકારમાં તાપુત્તીની શક્તિશાળી ભૂમિકા હતી. તેમણે સેન્ટ બનાવવાની ટેકનિકમાં ઘણું યોગદાન આપ્યું હતું. આ પરફ્યુમ બનાવવાની મૂળભૂત રીત માનવામાં આવે છે.

2007 માં પુરાતત્વવિદોને સાયપ્રસમાં એક પરફ્યુમ ફેક્ટરી મળી હતી જે 2000 BCની છે. એવો અંદાજ છે કે સાયપ્રસને અત્તર બનાવવાનું જ્ઞાન મેસોપોટેમિયામાંથી જ મળ્યું હતું.

ઈતિહાસકારો માને છે કે મેસોપોટેમીયા પછી પર્ફ્યુમ બનાવવાની ટેકનિક ફારસીઓના હાથમાં આવી. જેમણે તેના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ફારસીયોએ સેંકડો વર્ષો સુધી અત્તરના વેપાર પર એકાધિકાર રાખ્યો. આ પછી પરફ્યુમ બનાવવાની કળા ગ્રીક અને રોમન સામ્રાજ્ય સુધી પહોંચી.

પ્રાચીન ગ્રીક દસ્તાવેજોમાં અત્તર બનાવવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. પોમ્પેઈમાં એક ચિત્રકારના ઘરમાં એક ભીંતચિત્ર છે, જે ગ્રીક અને રોમન પરફ્યુમ બનાવવાની રીતનું વર્ણન કરે છે. 100 ADમાં રોમનોએ સુગંધ માટે વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ કર્યો હતો.