
મે મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને હવે લોકો જૂન મહિનાની તૈયારીમાં લાગી ગયા છે. નવા મહિનાની શરૂઆત સાથે કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા બેંકિંગ, નાણાકીય વ્યવહારો અને રોજિંદા ખર્ચ પર પડી શકે છે. જો તમે આ ફેરફારોથી અજાણ રહેશો, તો તેનો સીધો પ્રભાવ તમારા ખિસ્સા પર પડી શકે છે. ચાલો જાણીએ 1 જૂન 2026થી કયા મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

આજના સમયમાં ભારતમાં દરરોજ કરોડો લોકો UPI દ્વારા પેમેન્ટ કરે છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એક નવો નિયમ અમલમાં મૂકવા જઈ રહ્યું છે. હવે UPI દ્વારા ચુકવણી કરતી વખતે યુઝર્સને વેપારીનું ચકાસાયેલ (Verified) નામ દેખાશે. આ પગલાંનો મુખ્ય હેતુ ઓનલાઈન છેતરપિંડીના બનાવોને ઘટાડવાનો છે, જેથી લોકો વધુ વિશ્વાસ સાથે ડિજિટલ પેમેન્ટ કરી શકે.

દર મહીનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. તેથી 1 જૂન 2026ના રોજ પણ નવા ભાવ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે 1 મે 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. હવે જૂનમાં ઘરેલુ અને કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

જૂન મહિનામાં ભારતીય રેલવે દ્વારા ટ્રેક અપગ્રેડેશન અને અન્ય ટેક્નિકલ કામગીરી માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કુલ 77 ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવશે. જો તમે જૂન મહિનામાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો અગાઉથી ટ્રેનનું સ્ટેટસ અને સમયપત્રક ચકાસી લેવું જરૂરી રહેશે.

ઘણી બેંકો 1 જૂનથી પોતાની વિવિધ સેવાઓના ચાર્જિસમાં ફેરફાર કરી શકે છે. તેમાં ATM ટ્રાન્ઝેક્શન ફી, મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા, રોકડ ઉપાડ ચાર્જ અને અન્ય બેંકિંગ સેવાઓના શુલ્કનો સમાવેશ થઈ શકે છે. તેથી કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં તમારી બેંકના નવા નિયમો અને ચાર્જિસ વિશે માહિતી મેળવી લેવી જરૂરી છે.

1 જૂનથી અમલમાં આવનારા આ ફેરફારો તમારા રોજિંદા જીવન અને ખર્ચ પર સીધી અસર કરી શકે છે. UPI પેમેન્ટ, LPG સિલિન્ડરના ભાવ, રેલવે મુસાફરી અને બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલા નવા નિયમોની જાણકારી રાખવાથી તમે અનાવશ્યક મુશ્કેલીઓ અને વધારાના ખર્ચથી બચી શકો છો. તેથી નવા મહિનાની શરૂઆત પહેલાં આ મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતગાર રહેવું જરૂરી છે.