
કાશ્મીરમાં નવી સીઝનની શરૂઆત સાથે, એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન 23 માર્ચથી સામાન્ય લોકો માટે ખુલશે. કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન જબરવાન પર્વતમાળાની તળેટીમાં આવેલું છે.

તેને એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન અથવા બગીચો કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે આ બગીચો 30 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રમોશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટુરિઝમ વિભાગ ટ્યૂલિપ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડનને પ્રવાસીઓ માટે ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે 23 માર્ચથી આ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવશે.

આ વર્ષે ટ્યૂલિપ ગાર્ડનમાં ગત વર્ષ કરતાં વધુ ટ્યૂલિપનું વાવેતર થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ટ્યૂલિપ ગાર્ડનમાં ઓછામાં ઓછા 15 લાખ ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ સાથે અહીં બદામ, જરદાળુ અને ચેરીના વિવિધ પ્રકારના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. આટલા બધા ફૂલોથી અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે ગુલજાર થઈ ગયું છે.

ટ્યૂલિપ ગાર્ડનના ઈન્ચાર્જ ડૉ.ઈનામના જણાવ્યા અનુસાર આ વખતે બે લાખ ટ્યૂલિપનું વાવેતર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો હવામાન સારું અને ઠંડુ હોય એટલે કે 20 ડિગ્રીથી નીચે રહે તો રંગબેરંગી ફૂલોથી સજાવેલો આ બગીચો 40 દિવસ સુધી ખુલ્લો રહી શકે છે.

ડોક્ટર ઇનામે કહ્યું કે કોવિડ મહામારી માટે વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવશે. તમામ તસવીરોઃ મેહરાજ અહેમદ Edited By Pankaj Tamboliya