
ઈશા અંબાણીનો તાજેતરનો લુક ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે, અને આ વખતે માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ₹94,000ની હીલ્સ, 2,500થી વધુ રત્નોથી સજેલી કાનની બુટ્ટીઓ અને વાળમાં અનોખી ‘ચિત્તા’ સ્ટાઇલ… આ બધાએ મળીને એક શાહી અને યાદગાર દેખાવ સર્જ્યો.

જો કોઈ વિદેશી મંચ પર ભારતીય સંસ્કૃતિને ગ્લેમર અને આધુનિકતા સાથે રજૂ કરવાની વાત આવે, તો અંબાણી પરિવારનું નામ સૌપ્રથમ યાદ આવે. Isha Ambani એ વોગની પ્રી-મેટ ગાલા પાર્ટીમાં એવું જ કંઈક કર્યું, જેનાથી સૌ કોઈની નજર તેના પર જ અટકી ગઈ. તેનો આ લુક માત્ર ગ્લેમરસ જ નહોતો, પરંતુ ભારતીય હેરિટેજને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની એક સુંદર કોશિશ પણ હતી.

આ પ્રસંગ માટે ઈશાએ સ્ટ્રેપલેસ બેન્ડેજ ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં આધુનિક ડિઝાઇન સાથે પરંપરાગત ભારતીય કાપડ અને કારીગરીનો સુંદર સમન્વય જોવા મળ્યો. આ ડ્રેસ શરીરને ગળે લગતો હોવાથી તેની પર્સનાલિટી વધુ આકર્ષક લાગી રહી હતી. ખાસ વાત એ છે કે આ ડ્રેસમાં ભારતના અલગ-અલગ પ્રદેશોની 26 પ્રકારની બોર્ડર કારીગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમ કે ઝરી, પારસી ગારા, મહેશ્વરી, કરચોબી, આરી વર્ક, કાંજીવરમ સિલ્ક, પૈઠાણી અને બનારસી બ્રોકેડ.

આ અનોખા ડ્રેસને તૈયાર કરવામાં અંદાજે 450 કલાકનો સમય લાગ્યો હતો. કાળા, મરૂન, સોનેરી, નારંગી અને લીલા જેવા ઘેરા રંગોના ઉપયોગે તેને વધુ રોયલ લુક આપ્યો. આ પોશાક પ્રખ્યાત ડિઝાઇનર Manish Malhotra દ્વારા ‘Swadesh’ બ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જ્યારે સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફે ઈશાના સમગ્ર લુકને સ્ટાઇલ કર્યો હતો.

જ્વેલરીની વાત કરીએ તો ઈશાએ મિનિમલ પરંતુ ખૂબ જ એલિગન્ટ પસંદગી કરી હતી. તેણે CINDY CHAOના ટેંગો ગાર્ડન કલેક્શનમાંથી ફ્લોરલ ઇયરિંગ્સ પહેર્યા હતા, જેમાં 2,533 રત્નો—હીરા, જાંબલી નીલમ અને ગાર્નેટ—જડેલા હતા. આ ઇયરિંગ્સ ટાઇટેનિયમ અને 18K સોનાથી બનેલા છે અને તેમાં દુર્લભ કેરેબિયન શંખ મોતી પણ સામેલ છે. આ જ્વેલરી તેના સમગ્ર લુકને વધુ ક્લાસી બનાવી રહી હતી.

ફૂટવેરમાં તેણે AMINA MUADDI બ્રાન્ડની હીલ્સ પહેરી હતી, જેની કિંમત અંદાજે ₹94,000 છે.

ઈશાની હેરસ્ટાઈલ પણ એટલી જ ખાસ હતી. તેણે આગળના વાળ સ્લીક રાખીને લાંબી વેણી બનાવી હતી અને તેમાં ‘મેજેસ્ટિક લેપર્ડ કોચર હેર એક્સેસરી’ ઉમેર્યું હતું. આ હેર એક્સેસરીમાં બે ચિત્તાની ડિઝાઇન સાથે પ્રીહ્નાઈટ સ્ટોન લગાવવામાં આવ્યો હતો, અને તે 22 કેરેટ રોઝ ગોલ્ડથી બનાવવામાં આવી હતી. આ અનોખી એક્સેસરીને તૈયાર કરવામાં 300 કલાકથી વધુનો સમય લાગ્યો હતો.

મેકઅપની વાત કરીએ તો ગ્લોસી બ્રાઉન લિપ્સ, સોફ્ટ આઈ મેકઅપ અને નેચરલ ગ્લોવાળો લુક તેના ચહેરાને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.

કુલ મળીને, ઈશા અંબાણીનો આ લુક માત્ર ફેશન સ્ટેટમેન્ટ નહોતો, પરંતુ ભારતીય કારીગરી અને સંસ્કૃતિને ગર્વથી વિશ્વ સમક્ષ રજૂ કરવાનો એક ઉત્તમ ઉદાહરણ હતો.
