
ઈરાનમાંથી એક ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. પ્રખ્યાત ઈરાની ગાયિકા પરસ્તુ અહમદીને હિજાબ વગર ઓનલાઈન પરફોર્મન્સ આપવા બદલ કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં તેમજ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના કોમ પ્રાંતની એક કોર્ટે પરસ્તુ અહમદી અને તેમની પ્રોડક્શન ટીમના આઠ સભ્યોને 74 કોરડાની સજા સંભળાવી છે. ઉપરાંત, ગાયિકા પર બે વર્ષ સુધી દેશ છોડવા અને કોઈપણ જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ડિસેમ્બર 2024માં થઈ હતી. ત્યારે 29 વર્ષીય પરસ્તુ અહમદીએ યુટ્યુબ પર એક ઓનલાઈન લાઈવ કોન્સર્ટ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ઈરાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત ‘આઝ ખૂન-એ-જવાના વતન’ રજૂ કર્યું હતું. કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ઝડપથી વાયરલ થયો હતો અને લાખો લોકોએ તેને જોયો હતો.

પરંતુ ગીત કરતાં વધુ ચર્ચા તેમના પહેરવેશને લઈને થઈ હતી. પરસ્તુ અહમદી આ પરફોર્મન્સ દરમિયાન હિજાબ વગર અને કાળા રંગના સ્લીવલેસ વન-પીસ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેમની આ શૈલીને ઘણા લોકોએ આધુનિકતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું પ્રતિક ગણાવીને વખાણી હતી, જ્યારે કેટલાક રૂઢિચુસ્ત વર્ગોએ તેની ટીકા કરી હતી. વીડિયો વાયરલ થતાં જ ઈરાનના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી. અહેવાલો મુજબ, ગાયિકા અને તેમની ટીમના કેટલાક સભ્યોને થોડા સમય માટે અટકાયતમાં પણ લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રહી હતી.

ઈરાનમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિજાબ પહેરવું કાયદેસર રીતે ફરજિયાત છે. ઉપરાંત, મહિલાઓના એકલ ગાયન અને જાહેર પ્રદર્શનને લઈને પણ અનેક કડક નિયમો અમલમાં છે. આ કારણસર અધિકારીઓએ પરસ્તુ અહમદીના પરફોર્મન્સને દેશના ઇસ્લામિક કાયદા અને નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાવ્યું હતું.

બીજી તરફ, ઈરાનની ઘણી મહિલાઓ અને માનવ અધિકાર કાર્યકરોએ પરસ્તુ અહમદીના પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારો સાથે જોડીને સમર્થન આપ્યું છે. પરસ્તુ અગાઉ પણ મહિલાઓના અધિકારો અને હિજાબ સંબંધિત કડક નિયમો સામે પોતાનો અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ 2022માં ઈરાનમાં થયેલા હિજાબ વિરોધી આંદોલન દરમિયાન પણ ખુલ્લેઆમ સમર્થનમાં જોવા મળ્યા હતા. આ કેસ માત્ર એક ગાયિકાની સજા સુધી મર્યાદિત નથી, પરંતુ ઈરાનમાં વ્યક્તિગત સ્વતંત્રતા, મહિલાઓના અધિકારો અને ધાર્મિક નિયમો વચ્ચેના સંઘર્ષ અંગે ફરી એકવાર વૈશ્વિક ચર્ચા ઉભી કરી રહ્યો છે.