
શિયાળાની ઋતુમાં ગરમ ચાનો એક કપ શરીર અને મન બંનેને શાંતિ આપે છે. સામાન્ય રીતે લોકો આદુ, એલચી કે લવિંગવાળી મસાલા ચા પસંદ કરે છે, પરંતુ જો તમે આ બધું અજમાવી ચૂક્યા હો અને હવે કંઈક નવું અનુભવવા માંગતા હો, તો હૈદરાબાદની પ્રખ્યાત ઈરાની ચા જરૂર અજમાવો. આ ચા જાડી, ક્રીમી અને અત્યંત સુગંધિત હોય છે.

હૈદરાબાદની સાંકડી ગલીઓમાં ફરતી ઈરાની ચાની ખુશ્બૂ જ લોકોને પોતાની તરફ આકર્ષે છે. ઈરાની ચાને ‘દમ ચા’ પણ કહેવામાં આવે છે, કારણ કે તે દમ બિરયાની જેવી જ દમ (બાફેલી) પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ ચા વધારે તાપે નહીં, પરંતુ ઓછી આંચ પર લાંબા સમય સુધી રાંધવામાં આવે છે, જેથી દૂધ અને ચાનો સ્વાદ સંપૂર્ણ રીતે ભળી જાય. આ પદ્ધતિ ઈરાની ચાને સામાન્ય ચાથી અલગ અને વધુ સમૃદ્ધ બનાવે છે.

ઈરાની ચા બનાવવા માટે પાણી, ચાની ભૂકી, ખાંડ, ફુલ ક્રીમ દૂધ, કન્ડેન્સ્ડ દૂધ અને લીલી એલચીનો ઉપયોગ થાય છે. દમ માટે વાસણને સારી રીતે સીલ કરવા લોટનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ ચાની ખાસ ઓળખ છે.

સૌ પ્રથમ, જાડા તળિયાવાળા વાસણમાં પાણી ઉકાળો. તેમાં ચાના પત્તા અને ખાંડ ઉમેરો. વાસણને ઢાંકીને તેની આસપાસ લોટ ચોંટાડો, જેથી વાસણ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય. હવે આ મિશ્રણને ધીમી આંચ પર લગભગ 30થી 40 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ ચાને ગાળી ને અલગ રાખો.

બીજા વાસણમાં ફુલ ક્રીમ દૂધને ધીમી આંચ પર ગરમ કરો. તેમાં એલચી અને કન્ડેન્સ્ડ દૂધ ઉમેરો. દૂધને ઉકળવા ન દેતા, આશરે 10થી 15 મિનિટ સુધી ધીમે ધીમે રાંધો, જ્યાં સુધી તે થોડું ઘટ્ટ ન થઈ જાય. એક કપમાં પહેલા તૈયાર કરેલો ચાનો ઉકાળો રેડો અને ત્યારબાદ ધીમે ધીમે ગરમ દૂધ ઉમેરો. ચાને વધારે હલાવશો નહીં, જેથી દૂધ અને ચાના સુંદર સ્તરો જળવાઈ રહે.

હૈદરાબાદમાં ઈરાની ચા ખાસ કરીને ઉસ્માનિયા બિસ્કિટ સાથે પીવામાં આવે છે. તમે તેને સમોસા અથવા હળવા નાસ્તા સાથે પણ માણી શકો છો. ઈરાની ચા ઓછી આંચ પર લાંબા સમય સુધી રાંધવામાં આવે છે. તેમાં દૂધ અને ચા અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે, જે તેના સ્વાદને વધુ ગાઢ અને ક્રીમી બનાવે છે. તેની સુગંધ અને ટેક્સચર તેને સામાન્ય ચાથી સંપૂર્ણ રીતે અલગ બનાવે છે.