
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાડવામાં આવી શકે છે. આજના સમયમાં દર પાંચમાંથી બે બાળકો એકલતા અનુભવે છે. એવા સમયમાં સોશિયલ મીડિયા તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજીબાજુ, સોશિયલ મીડિયાની વધારે પડતી લતથી બાળકો જરૂર કરતાં વધુ સમય વિતાવવા લાગે છે. જો કે, નિષ્ણાતોએ માતા-પિતા માટે કેટલીક ટિપ્સ શેર કરી છે જેથી તેઓ 10 ડિસેમ્બરથી અમલમાં આવનારા પ્રતિબંધ માટે તેમના બાળકોને તૈયાર કરી શકે.

સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં 10 ડિસેમ્બર સુધીમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું બાળકો માટે આઘાતરૂપ બની શકે છે. આથી, માતા-પિતાએ અત્યારથી જ બાળકો સાથે આ વિષય પર વાત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમને જણાવો કે, આ પ્રતિબંધ શા માટે લાદવામાં આવી રહ્યો છે અને તેમના જીવન પર આની શું અસર પડશે.

જો બાળકોનો સ્ક્રીન ટાઇમ ધીમે ધીમે ઓછો કરવામાં આવે તો તેમને આ બદલાવ અપનાવવામાં સરળતા રહેશે. સોશિયલ મીડિયા પર વિતાવેલો સમય દર અઠવાડિયે 25% જેટલો ઘટાડી શકાય છે. આવું કરવાથી એક મહિનામાં બાળકોને સોશિયલ મીડિયાની આદતથી દૂર રાખી શકાય છે.

ગ્રુપ એક્ટિવિટી, ગ્રુપ ગેમ્સ, આર્ટ, સંગીત, હસ્તકલા જેવા સર્જનાત્મક કાર્યોમાં બાળકોને જોડો. આનાથી બાળકોને સામાજિક જોડાણ અને તેમની ઓળખ વ્યક્ત કરવાની તક મળશે.

બાળકો તેમના માતા-પિતાના વર્તનનું નિરીક્ષણ કરીને શીખે છે. માતા-પિતાએ સ્ક્રીન ટાઈમ પણ મર્યાદિત કરવો જોઈએ અને સંબંધોને પ્રાથમિકતા આપવી જોઈએ. નિષ્ણાતો માને છે કે, આ પ્રતિબંધ બાળકો માટે ડિજિટલ જીવન અને વાસ્તવિક જીવન સંતુલન કઈ રીતે કરવું તે શીખવાની તક આપી શકે છે.