
યુદ્ધ જહાજ રિમોટ સેન્સિંગ સાધનો, આધુનિક રડાર અને હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, રોકેટ લોન્ચર અને ટોર્પિડો જેવા હથિયારોથી સજ્જ છે. જેના કારણે દુશ્મન દેશના જહાજ હંમેશા ડરેલા રહેશે.

આ યુદ્ધજહાજમાં લગાવવામાં આવેલી મિસાઈલ 70 કિમીના અંતરથી આકાશમાં ઉડતા એરક્રાફ્ટને અને 300 કિમીના અંતરથી જમીન કે સમુદ્ર પરના લક્ષ્યાંકને મારવામાં સક્ષમ છે.

આધુનિક રડારની મદદથી નેવીના હેલિકોપ્ટર અત્યંત ખરાબ હવામાનમાં પણ આ યુદ્ધ જહાજ પર ઉતરાણ કરી શકશે. INS મોર્મુગાઓ 127 mm ગનથી સજ્જ છે. તેમાં AK-630 એન્ટી મિસાઈલ ગન સિસ્ટમ પણ છે.

આ યુદ્ધ જહાજને પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટમાં ચાર વિનાશક યુદ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ INS વિશાખાપટ્ટનમને ગયા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. બાકીના બે યુદ્ધ જહાજો (આઈએનએસ ઈમ્ફાલ અને આઈએનએસ સુરત)નું નિર્માણ કાર્ય પણ મઝગાંવ ડોકયાર્ડ ખાતે ઝડપથી ચાલી રહ્યું છે.

આ સ્વદેશી યુદ્ધ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ દરમિયાન પણ બચાવ કરવામાં સક્ષમ છે. તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેનું બહારનું પડ ખાસ સ્ટીલનું બનેલું છે, જેથી દુશ્મન તેને રડાર પર શોધી ન શકે.

આ પહેલા પ્રોજેક્ટ 15A હેઠળ આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ ચેન્નૈ અસિતત્વમાં આવ્યા હતા. પ્રોજેક્ટ 15Aની ખાસ વાત એ છે કે તે રુસી સિસ્ટમને સ્વદેશી સિસ્ટમમાં બદલી રહી છે.

પ્રોજેક્ટ 15B હેઠળ ભારત વર્લ્ડ ક્લાસ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ તૈયાર કરશે. જે અમેરિકા અને યૂરોપના યુદ્ધ સાધનનો પણ ટક્કર આપશે.