
ભારત રૂપાયન નામથી યોજાયેલી કલ્ચરલ રેમ્પ વૉકમાં 50થી વધુ પ્રતિભાગીઓએ 17 રાજ્યોની સુપ્રસિદ્ધ સાડીઓને પરંપરાગત રીતે પહેરીને ભારતના સાંસ્કૃતિક વૈભવને દર્શાવતું રેમ્પ વૉક કર્યું હતું.

ઉજવણી હોય અને વાનગીઓનો રસથાળ ના પીરસાય એ કેમ ચાલે? પ્રતિભાગી રાજ્યોની પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવા માટે વિશેષ ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

સંસ્કૃતિ અને પરંપરા સાથે કલા હંમેશથી જોડાયેલી છે. ખાસ વાત એ છે કે, પોતાનામાં રહેલી કલાને દર્શાવવા બાળકો અને મોટા સૌની માટે ચિત્રકલાની એક્ટિવિટી યોજવામાં આવી હતી.

કેએસએ ઇન્ડિયન કોમ્યુનિટી (KSA INDIAN COMMUNITY) દ્વારા રચિત ફેસ્ટિવલ ઓફ લાઇટ કમિટીના સ્થાપક સભ્યો પૈકી એક અનિલ માલપાણીએ જણાવ્યું કે, “ભારતમાં સદીઓથી તહેવારો સામાજિક એકતા જાળવવામાં મુખ્ય ભૂમિકામાં ભજવે છે. આ મહત્વ સમજીને વિદેશમાં પણ ભારતીયો તહેવારોની ઉજવણી સાથે મળીને કરે અને એકમેકના સહયોગી બને તે હેતુથી આ આયોજન વાર્ષિક ધોરણે યોજવાની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે 8 રાજ્યો જ્યારે આ વખતે બીજા વર્ષે 18 રાજ્યોને એક મંચ પર લાવવામાં સફળતા મળી છે.”

મૂળ રાજસ્થાનના અને પછી ગુજરાત તેમજ મુંબઇમાં રહી ચૂકેલા 65 વર્ષીય પ્રિતી મિશ્રાનું કહેવું છે કે, “રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની સંસ્કૃતિ મને ખબર છે પણ આજે ભારતના અન્ય રાજ્યોની સંસ્કૃતિ પરંપરા અને લોક નૃત્ય-નાટક માણવાનો લ્હાવો અવિસ્મરણીય બની રહ્યો છે.”

ગુજરાતી નારી ફોરમ શાહનું કહેવું છે કે, “મહિલા તરીકે ફેશન અને ફૂડમાં રસ હોય જ, આજે સાડી એક્ઝિબિશન અને વિવિધ રાજ્યોના પકવાન જાણવા અને માણવાનો લ્હાવો એક સાથે મળી ગયો. 1600થી વધુ દર્શકો સામે પર્ફોર્મ કરવાની આ તકે અમારામાં નવો જોશ ભરી દીધો છે.”

ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી અવિવિનાશ ગુપ્તાએ જણાવ્યું કે, “ભારતની બહાર રહેવાથી અમે જે સૌથી વધારે યાદ કરીએ છીએ તે તહેવારો છે. આથી જ ભારત બહાર તહેવારો બમાણા ઉત્સાહથી ઉજવાય છે. આજની ઉજવણીએ મને અમારા ગામમાં થતી ઉજવણીમાં ભાગ લેવા જેવો જ સંતોષ આપ્યો છે.”
Published On - 7:25 pm, Tue, 21 October 25