
ઘરની રોજિંદી સફાઈ માત્ર ચમક માટે જ નહીં પરંતુ સ્વચ્છ અને આરામદાયક વાતાવરણ માટે પણ જરૂરી છે. ઘણી વખત પોતું માર્યા પછી થોડા સમય માટે આખું ઘર સુગંધિત લાગે છે, પરંતુ 10થી 15 મિનિટમાં જ તે તાજગી ઓછી થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું બનતું હોય, તો કેટલીક સરળ રીતો અપનાવીને તમે ઘરને લાંબા સમય સુધી મહેકતું રાખી શકો છો.

સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના પાણીમાં તમારી પસંદગીના એસેન્શિયલ ઓઈલના માત્ર 2થી 3 ટીપાં ઉમેરી દો. ત્યારબાદ તે જ પાણીથી આખા ઘરમાં પોચો કરો. ફ્લોર સુકાઈ જાય પછી પણ હળવી અને તાજગીભરી સુગંધ લાંબા સમય સુધી અનુભવાય છે. લેવેન્ડર, લેમનગ્રાસ, ઓરેન્જ અને યુકેલિપ્ટસ જેવી સુગંધ ઘરનું વાતાવરણ વધુ ફ્રેશ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

જો શક્ય હોય તો પોતું કરવા માટે થોડું હૂંફાળું પાણી વાપરો. હળવા ગરમ પાણીમાં સુગંધ વધુ સારી રીતે ફેલાય છે અને તેની અસર થોડો વધુ સમય ટકી શકે છે. જોકે, લાકડાના અથવા ખાસ પ્રકારના ફ્લોર માટે ઉત્પાદકની સફાઈ સંબંધિત સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

પોતું કરતી વખતે ખૂબ ભીનો કપડો ઉપયોગમાં ન લો. વધારે પાણી હોવાથી ફ્લોર સુકાવામાં સમય લાગે છે અને સુગંધની અસર પણ ઓછી થઈ શકે છે. પોતાને સારી રીતે નિચોવીને ઉપયોગ કરવાથી સફાઈ પણ સારી થાય છે અને સુગંધ પણ સમાન રીતે ફેલાય છે.

સફાઈ માટે વપરાતી બાલ્ટી અને પોચો પણ સ્વચ્છ હોવા જોઈએ. જો તેમાં પહેલેથી જ ગંદકી અથવા દુર્ગંધ હશે તો નવી સુગંધ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તેથી દરેક ઉપયોગ પહેલાં તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ.

પોતું કર્યા પછી 10થી 15 મિનિટ માટે બારીઓ ખોલી રાખો. તાજી હવા ઘરમાં ફરતી હોવાથી ભેજ ઓછી થાય છે અને સુગંધ સમગ્ર ઘરમાં સમાન રીતે પ્રસરે છે. જો ફ્લોરમાંથી પહેલેથી જ દુર્ગંધ આવતી હોય, તો થોડું સફેદ વિનેગર ઉમેરવાથી ગંધ ઘટાડવામાં મદદ મળી શકે છે. પરંતુ નેચરલ સ્ટોન અથવા હાર્ડવુડ ફ્લોર પર વિનેગરનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તેની એસિડિક અસર સપાટીને નુકસાન પહોંચાડી શકે છે.

આ નાની-નાની આદતો અપનાવીને તમે મોંઘા રૂમ ફ્રેશનર વગર પણ ઘરને લાંબા સમય સુધી તાજગીભર્યું અને સુગંધિત રાખી શકો છો. (All Image Credit Source: Social Media)