
15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે આઝાદીનો જશ્ન તો મનાવ્યો, પણ દેશ ચલાવવો કેવી રીતે તે મોટો પ્રશ્ન હતો. બ્રિટિશરો દેશને આર્થિક રીતે કંગાળ બનાવીને ગયા હતા. નવી સરકાર સામે ખાલી તિજોરી સાથે દેશના અર્થતંત્રને પાટા પર લાવવાનો મોટો પડકાર હતો.

આઝાદી સમયે ભારત ગરીબી, ખાદ્યાન્નની અછત અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ઝૂઝી રહ્યો હતો. દેશના ભાગલા થતાં કરોડો શરણાર્થીઓના પુનર્વસનનો વધારાનો આર્થિક બોજ પણ ભારત પર આવી પડ્યો હતો, જેનાથી સ્થિતિ વધુ નાજુક બની હતી.

દેશની કટોકટી વચ્ચે 26 નવેમ્બર 1947ના રોજ આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું. પ્રથમ નાણાપ્રધાન આર.કે. સણમુખમ ચેટ્ટીએ આ ઐતિહાસિક બજેટ સંસદમાં રજૂ કરીને નવજાત દેશની આર્થિક દિશા નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આઝાદ ભારતનું પહેલું બજેટ માત્ર ₹171.15 કરોડની મહેસૂલી આવકનું હતું. તેની સામે સરકારનો અંદાજિત ખર્ચ ₹197.39 કરોડ હતો. આજના સમયની સરખામણીએ સમગ્ર દેશનું બજેટ અત્યંત નાનું અને ચોંકાવનારું હતું.

સરકારની આવક કરતાં ખર્ચ વધુ હોવાથી પ્રથમ બજેટમાં જ ₹26.24 કરોડની મહેસૂલી ખાધ (Revenue Deficit) નોંધાઈ હતી. એટલે કે આઝાદીના પ્રથમ દિવસથી જ ભારત સરકાર નુકસાન અને નાણાકીય ખાધ સાથે કામ કરી રહી હતી.

સરહદી તણાવ અને વિભાજનની હિંસાને કારણે બજેટનો મોટો હિસ્સો દેશની સુરક્ષા પાછળ ખર્ચાયો. કુલ ખર્ચમાંથી ₹92.74 કરોડ (લગભગ 46-50%) માત્ર સંરક્ષણ (Defense) ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા.

1947માં દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર હતી, છતાં સિંચાઈ અને ટેકનોલોજીના અભાવે ઉત્પાદન ખૂબ ઓછું હતું. પરિણામે, ખેતીપ્રધાન દેશ હોવા છતાં ભારતે નાગરિકોનું પેટ ભરવા માટે બહારથી અનાજ આયાત કરવું પડતું હતું.

26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરાયેલું પહેલું બજેટ આખા વર્ષ માટે નહીં, પરંતુ માત્ર સાડા સાત મહિના માટે જ હતું. વિભાજન પછીની તાત્કાલિક સ્થિતિને પહોંચી વળવા માટે આ વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભારતનો પહેલો બજેટ ઈતિહાસ 7 એપ્રિલ 1860નો છે, જ્યારે અંગ્રેજ શાસક જેબ્સ વિલ્સને બજેટ રજૂ કર્યું હતું. જોકે, તે બજેટ ભારતીયોના કલ્યાણ માટે નહીં પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના ફાયદા માટે જ બનાવાયું હતું.

₹171 કરોડના નાના બજેટથી શરૂઆત કરનાર ભારતે આજે પાછળ વળીને નથી જોયું. હરિયાળી ક્રાંતિ અને સર્વિસ સેક્ટરના વિકાસના દમ પર આજે ભારત વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે.