
મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ફરી એકવાર પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. શું તમે જાણો છો કે દુનિયાને ખતમ કરવા માટે હજારો નહીં, પણ ગણતરીના બોમ્બ જ કાફી છે?

વૈજ્ઞાનિકોના મતે જો માત્ર 100 પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય, તો તે આધુનિક સભ્યતાનો અંત લાવવા માટે પૂરતા છે. આ આંકડો સાંભળીને ભલે નવાઈ લાગે, પણ તેની અસર કલ્પના બહારની છે.

વિસ્ફોટ પછી વાતાવરણમાં એટલો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકશે નહીં. પરિણામે તાપમાન માઈનસમાં જતું રહેશે અને 'ન્યુક્લિયર વિન્ટર' શરૂ થશે.

સૂર્યપ્રકાશના અભાવે પૃથ્વી પરની ખેતી સંપૂર્ણપણે નાશ પામશે. અબજો લોકો ભૂખમરાનો શિકાર બનશે. બોમ્બથી બચેલા લોકો અન્ન વગર તડપી તડપીને મરવા મજબૂર થશે.

આજે વિશ્વના શક્તિશાળી દેશો પાસે કુલ મળીને 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે. આ જથ્થો માનવજાતને એકવાર નહીં, પણ અનેકવાર ભૂંસી નાખવા માટે સક્ષમ છે.

આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બોમ્બ કરતા હજારો ગણા વિનાશક છે. એક જ બોમ્બ આખા મહાનગરને સેકન્ડોમાં વરાળ બનાવી શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે આટલા બોમ્બ છતાં પૃથ્વી ગ્રહ તરીકે ટકી રહેશે. પૃથ્વીને ભૌતિક રીતે તોડવા માટે આ બોમ્બ કરતાં અબજો ગણી વધુ ઉર્જા જોઈએ, એટલે કે પૃથ્વી રહેશે પણ માનવી નહીં હોય.

વિસ્ફોટના સ્થળથી હજારો કિલોમીટર દૂર રહેતા લોકો પણ રેડિયેશન અને ઝેરી હવાને કારણે જીવલેણ બીમારીઓનો શિકાર બનશે. પેઢીઓ સુધી તેની અસરો જોવા મળશે.