
નવજાત બાળકને સુવડાવવા માટે હાલરડું ગાવાની પરંપરા લગભગ દરેક સંસ્કૃતિમાં જોવા મળે છે. દાદી-નાનીથી લઈને માતા-પિતા સુધી પેઢીઓથી ચાલતી આવી આ રીત હવે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ચર્ચામાં છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે હાલરડું માત્ર બાળકને ઊંઘાડવાનું સાધન નથી, પરંતુ તે તેના ભાવનાત્મક અને માનસિક વિકાસમાં પણ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.

જ્યારે બાળકને ધીમા અને મધુર અવાજમાં હાલરડું સંભળાવવામાં આવે છે, ત્યારે તે પોતાની આસપાસનું વાતાવરણ વધુ સુરક્ષિત અને શાંત અનુભવે છે. આવી સ્થિતિમાં બાળકનું શરીર ધીમે-ધીમે આરામની સ્થિતિમાં જાય છે, જેના કારણે તેને ઊંઘવામાં સરળતા રહે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે શાંત સંગીત અથવા લોરી સાંભળવાથી શરીરમાં તણાવ સાથે જોડાયેલા હોર્મોનનું સ્તર ઓછું થઈ શકે છે, જ્યારે સુખદ લાગણી સાથે જોડાયેલી પ્રક્રિયાઓ વધુ સક્રિય બને છે. તેના પરિણામે બાળક વધુ શાંતિપૂર્ણ ઊંઘ લઈ શકે છે.

પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ બાળકના વિકાસ માટે અત્યંત જરૂરી છે. ઊંઘ દરમિયાન મગજ નવી માહિતીનું સંચાલન કરે છે અને શરીરના વિકાસ સાથે જોડાયેલી અનેક પ્રક્રિયાઓ સક્રિય રહે છે. તેથી જો બાળક નિયમિત રીતે સારી ઊંઘ લે, તો તેની વૃદ્ધિ અને શીખવાની ક્ષમતા પર પણ સકારાત્મક અસર પડી શકે છે.

લોરીનો એક મોટો ફાયદો એ પણ છે કે તે માતા-પિતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણને વધુ ગાઢ બનાવે છે. જ્યારે બાળક પોતાના માતા કે પિતાનો ઓળખીતો અવાજ સાંભળે છે, ત્યારે તેને વિશ્વાસ અને હૂંફનો અનુભવ થાય છે. આ પ્રકારની નજીકતા બાળકના આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સ્થિરતા માટે લાંબા ગાળે ઉપયોગી બની શકે છે.

નિષ્ણાતો કહે છે કે હાલરડું ગાવવા માટે સંગીતમાં નિષ્ણાત હોવાની જરૂર નથી. બાળક માટે સૌથી મહત્વની બાબત તેના પોતાના માતા-પિતાનો પ્રેમાળ અવાજ છે. તેથી મનપસંદ લોરી હોય કે સામાન્ય ધીમું ગીત, બંને બાળકને આરામ આપવામાં મદદરૂપ બની શકે છે.

બાળકને સૂતા પહેલાં રોજ એકસરખી રૂટિન અપનાવવી પણ લાભદાયી માનવામાં આવે છે. રૂમમાં હળવો પ્રકાશ રાખવો, વધુ અવાજ ટાળવો અને મોબાઇલ કે ટીવી જેવી સ્ક્રીનથી બાળકને દૂર રાખીને લોરી સંભળાવવાથી તેને ઊંઘ માટે અનુકૂળ વાતાવરણ મળી શકે છે.

જો કે લોરી બાળકને શાંત કરવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ જો બાળકને લાંબા સમય સુધી ઊંઘ ન આવવી, સતત રડવું અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જોવા મળે તો તેની અવગણના કરવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પ્રેમ, હૂંફ અને નિયમિત સંભાળ સાથે લોરી જેવી સરળ આદત બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. (All Image Credit Source: Social Media)
Published On - 8:28 am, Wed, 5 August 26