
77 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વને કારણે સતત ચર્ચામાં રહે છે. ઉંમર વધવા છતાં તેમની તંદુરસ્તી અને ચમક આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે. તાજેતરમાં અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ પણ હેમા માલિનીના સૌંદર્ય અને ફિટનેસની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ત્યારબાદ હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતાનું રહસ્ય શેર કર્યું.

હેમા માલિનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 60 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા અને ધર્મેન્દ્રને સમર્પિત એક ચેરિટી લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 10 જુલાઈએ મુંબઈમાં યોજાવાનો છે, જેમાં અનેક જાણીતા કલાકારો પોતાની રજૂઆત કરશે. આ કોન્સર્ટને લઈને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પદ્મિની કોલ્હાપુરીએ હેમા માલિનીના સૌંદર્યની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની સુંદરતા આજે પણ હીરાની જેમ ઝગમગે છે અને તેઓ તેનું રહસ્ય જાણવા માટે અનેક વખત પ્રયત્ન કરી ચૂક્યા છે, પરંતુ હેમાએ ક્યારેય તેનું સીધું રહસ્ય જણાવ્યું નથી.

પછી એક ઇન્ટરવ્યૂમાં હેમા માલિનીએ પોતાની ફિટનેસ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, "આમાં કોઈ ખાસ રહસ્ય નથી. ભગવાને જે શરીર આપ્યું છે, તેની યોગ્ય રીતે સંભાળ રાખવી જરૂરી છે. ઘણા લોકો પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી, જ્યારે હું નિયમિત રીતે કસરત અને યોગ કરું છું. આ માટે સમય કાઢવો જ પડે. જો સવારે 6 વાગ્યે શૂટિંગ હોય તો પણ હું યોગ છોડતી નથી. જરૂર પડે તો સવારે 4 વાગ્યે ઉઠીને પણ યોગ અને કસરત કરું છું. સ્વાસ્થ્ય જાળવવા માટે શિસ્ત અને ધીરજ ખૂબ જરૂરી છે."

હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર, 1948ના રોજ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો. તેમણે વર્ષ 1968માં આવેલી ફિલ્મ 'સપનો કે સૌદાગર' દ્વારા મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને દાયકાઓ સુધી હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

હેમા માલિનીએ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ – ઈશા દેઓલ અને આહના દેઓલ છે. ફિલ્મી કારકિર્દી ઉપરાંત તેઓ રાજકારણમાં પણ સક્રિય છે અને હાલમાં ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. આજે પણ તેમની ફિટનેસ, નિયમિત જીવનશૈલી અને સકારાત્મક અભિગમ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.