હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને આખા દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન ભાગ લેવા તમારે ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની જરુર પડશે. આ વર્ષે ફલેગ કોડમાં પણ ફેરફાર કરીને દેશવાસીઓને તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી કોઈ સ્થળે ત્રિરંગાનું અપમાન ના થાય.તમે ત્રિરંગો પોસ્ટ ઓફિસથી પણ મેળવી શકો છો. સાથે સાથે ઓનલાઈન બુકિંગ કરીને પણ તમે ઘર બેઠા ત્રિરંગો મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસમાંથી ત્રિરંગા ધ્વજ કેવી રીતે ખરીદવો. આ માટે ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. ઈન્ડિયા પોસ્ટે કહ્યું છે કે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને તમે પૈસા ચૂકવીને ત્યાંથી ખરીદી કરી શકો છો. જો તમે ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છો છો તો તમારે https://bit.ly/3QhgK3r પર ઓર્ડર આપવાનો રહેશે.
ઓર્ડર કરવા માટે આ લિંક પર જઈ લોગિન કરો. 'પ્રોડક્ટ્સ' પર જાઓ અને 'રાષ્ટ્રીય ધ્વજ' પર ક્લિક કરો અને તેને કાર્ટમાં ઉમેરો. હવે 'Buy Now' પર ક્લિક કરો અને મોબાઈલ નંબર દાખલ કરો. તમારા મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. હવે 'પ્રોસીડ ટુ પેમેન્ટ' પર ક્લિક કરો. છેલ્લે તમારો કોડ દાખલ કરો અને રૂ.25 ચૂકવો. તમારો ત્રિરંગાનો ઓર્ડર બુક થઈ જશે.
પોસ્ટ ઓફિસમાં ત્રિરંગાની વેચાણ કિંમત 25 રૂપિયા છે અને તેના પર કોઈ જીએસટી નથી. ઓનલાઈન ઓર્ડર બુક કરતી વખતે, તમારે ડિલિવરી માટેનું સરનામું, જરૂરી ત્રિરંગાની સંખ્યા અને તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે.
એકવાર ઓર્ડર થઈ જાય, પછી તેને રદ કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં. તમને તમારા ઘરે ત્રિરંગાની ફ્રી ડિલિવરી મળશે. એટલે કે, પોસ્ટ ઓફિસ કોઈ ડિલિવરી ચાર્જ લેશે નહીં. આ સેવા માટે ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી રહી નથી. ત્રિરંગો તમારા ઘરેથી નજીકની પોસ્ટ ઓફિસ શાખામાંથી પહોંચાડવામાં આવશે.