
જો તમારૂ Paytm પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ છે તો તમારા માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, તે એવા Paytm ગ્રાહકોને મદદ કરવા તૈયાર છે જેઓ 1 માર્ચથી ભારતીય રિઝર્વ બેંકના આદેશ બાદ પ્રભાવિત થશે.

RBI એ Paytm પેમેન્ટ્સ બેંકને કોઈપણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં 29 ફેબ્રુઆરી બાદ જમા કે ટોપ-અપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે.

SBI ના ચેરમેન દિનેશ કુમાર ખરાએ આ અંગે જણાવ્યું કે, જો RBI પેટીએમ પેમેન્ટ બેંકનું લાઈસન્સ રદ કરશે, તો તેને બચાવવા માટે તે બાબતે અમારો કોઈ પ્લાન નથી. તમણે આગળ કહ્યુ કે, જો આરબીઆઈ તરફથી કોઈ સૂચના મળશે તો બેંક તૈયાર રહેશે.

SBI નું પેટીએમ સાથે કોઈ જોડાણ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ખારાએ જણાવ્યું હતું કે, સમાધાનથી આગળ કંઈ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું બેંક લાખો Paytm ગ્રાહકો કે જેઓ વેપારી છે તેમને મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું, ચોક્કસપણે, અમારી પેટાકંપની SBI પેમેન્ટ્સ પહેલેથી જ આ વેપારીઓના સંપર્કમાં છે અને અમે તેમને કોઈપણ સમયે મદદ કરવા તૈયાર છે.

RBI એ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આ કાર્યવાહી મની લોન્ડરિંગ અને વોલેટ પેટીએમ અને તેની બેંકિંગ શાખા વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને કારણે કરી છે. એક નિવેદનમાં આ બાબતે માહિતી આપતા આરબીઆઈએ કહ્યુ હતું કે, આ પગલું વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સના કમ્પ્લાયન્સ વેરિફિકેશન રિપોર્ટ બાદ લેવામાં આવ્યું છે.
Published On - 1:43 pm, Sun, 4 February 24