
દુનિયાના દરેક દેશમાં વસ્તુઓની ખરીદ-વેચાણ માટે કરન્સી (ચલણ) નો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાંક ડોલર, ક્યાંક યુરો તો ક્યાંક રૂપિયાનો ઉપયોગ થાય છે. એવામાં ભારતમાં કરન્સી તરીકે રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, શું તમે ક્યારેય આ નોટોને ધ્યાનથી જોઈ છે? આ નોટોની કિનારી પર ઘણા પ્રકારની ત્રાંસી રેખાઓ દોરેલી હોય છે.

ભારતમાં અલગ-અલગ વેલ્યૂની નોટો છપાય છે, જેમાં 05 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની કરન્સીનો સમાવેશ થાય છે. જો તમે ક્યારેય ભારતીય નોટોને ધ્યાનથી જોઈ હશે, તો જણાશે કે તેની કિનારી પર કેટલીક રેખાઓ દોરેલી હોય છે. આ રેખાઓ નોટની કિંમત મુજબ વધતી-ઘટતી રહે છે. ભાગ્યે જ કોઈનું ધ્યાન આના પર જતું હોય છે અને જો જાય તો પણ તેમને કદાચ જ આનો અર્થ ખબર હશે.

નોટોની કિનારી પર છપાયેલી આ રેખાઓ વાસ્તવમાં 'બ્લીડ માર્કસ' (Bleed Marks) કહેવાય છે. આ રેખાઓ નોટોની કિંમત મુજબ વધતી અને ઘટતી રહે છે. હકીકતમાં, આ રેખાઓ ખાસ કરીને દ્રષ્ટિહીન (Blind) લોકો માટે બનાવવામાં આવી છે. આની મદદથી જે લોકો જોઈ શકતા નથી, તેઓ નોટની કિંમત સમજી શકે છે, જેથી કોઈ તેમને છેતરી ન શકે.

ભારતીય ચલણમાં 100 રૂપિયાથી લઈને 2000 સુધીની નોટો પર આ રેખાઓ હોય છે. આના પર આંગળીઓ ફેરવીને દ્રષ્ટિહીન લોકો નોટની સાચી કિંમત જાણી શકે છે. ભારતીય ચલણ બનાવનારાઓએ દ્રષ્ટિહીન લોકોની સુવિધા માટે આ રેખાઓ બનાવી છે.

દરેક નોટ પર તેની કિંમત મુજબ રેખાઓ હોય છે. જો તમે 100 ની નોટ લો, તો જણાશે કે તેની બંને બાજુ ચાર રેખાઓ હોય છે. 200 ની નોટમાં પણ ચાર રેખાઓ હોય છે પરંતુ તેની સાથે બે શૂન્ય (મીંડા) પણ હોય છે. 500 ની નોટ પર બંને બાજુ પાંચ રેખાઓ અને 2000 ની નોટ પર સાત રેખાઓ હોય છે. આ બધી રેખાઓ ઊપસેલી હોય છે, જેથી દ્રષ્ટિહીન લોકો તેને સ્પર્શ કરીને નોટની કિંમત સમજી શકે.
Published On - 7:26 pm, Fri, 30 January 26