
ઘણા લોકો એવું માને છે કે ઘરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ એર કન્ડીશનર (AC) કરે છે. જોકે, હકીકત થોડી અલગ છે. એવા ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો છે જે એક કલાકના ઉપયોગ દરમિયાન AC કરતાં પણ વધુ વીજળી વાપરી શકે છે. ફરક માત્ર એટલો છે કે આ ઉપકરણોનો ઉપયોગ સામાન્ય રીતે થોડા સમય માટે થાય છે, જ્યારે AC સતત કલાકો સુધી ચાલે છે.

1. એર કન્ડીશનર (AC) : સામાન્ય રીતે 1.5 ટનના ACનું પાવર આઉટપુટ આશરે 1,800 વોટ હોય છે. જો તે સતત એક કલાક સુધી ચાલે, તો તે અંદાજે 1.7 યુનિટ વીજળી વાપરે છે. જોકે, AC લાંબા સમય સુધી ચાલુ રહેતું હોવાથી મહિનાના અંતે તેનું બિલ વધુ આવે છે.

2. વોટર ગીઝર : શિયાળામાં અથવા ગરમ પાણી માટે વપરાતું ઇલેક્ટ્રિક વોટર ગીઝર સૌથી વધુ વીજળી વાપરતા ઉપકરણોમાંનું એક છે. તેનું પાવર આઉટપુટ સામાન્ય રીતે 3,000 વોટ જેટલું હોય છે. એક કલાક સુધી ચાલે તો તે લગભગ 3 યુનિટ વીજળી વાપરી શકે છે.

3. હેર ડ્રાયર : વાળ ઝડપથી સૂકવવા માટે ઉપયોગમાં લેવાતું હેર ડ્રાયર પણ ઓછું વીજળી વાપરતું નથી. મોટા ભાગના હેર ડ્રાયરની ક્ષમતા આશરે 2,200 વોટ હોય છે. જો તેનો ઉપયોગ સતત એક કલાક સુધી કરવામાં આવે તો તે લગભગ 2.2 યુનિટ વીજળી વાપરી શકે છે.

4. ઇન્ડક્શન કૂકટોપ : રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ઇન્ડક્શન કૂકટોપ પણ વધુ પાવર ધરાવતું ઉપકરણ છે. તેનું પાવર આઉટપુટ સામાન્ય રીતે 2,100 વોટ હોય છે. એક કલાકના ઉપયોગમાં તે લગભગ 2.1 યુનિટ વીજળીનો વપરાશ કરી શકે છે.

5. ઇલેક્ટ્રિક કેટલ : ચા, કોફી અથવા ગરમ પાણી માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક કેટલનું પાવર આઉટપુટ આશરે 2,200 વોટ હોય છે. જો તે એક કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તે લગભગ 2.2 યુનિટ વીજળી વાપરી શકે છે.

6. માઇક્રોવેવ ઓવન : ખોરાક ગરમ કરવા અથવા ઝડપી રસોઈ માટે વપરાતું માઇક્રોવેવ ઓવન પણ ઊંચા પાવર પર કાર્ય કરે છે. તેની ક્ષમતા સામાન્ય રીતે 2,100 વોટ જેટલી હોય છે. એક કલાકના ઉપયોગમાં તે અંદાજે 2.1 યુનિટ વીજળી વાપરી શકે છે.

ACનું બિલ વધુ કેમ આવે છે? : જો કે ઉપર જણાવેલા ઘણા ઉપકરણો એક કલાકમાં AC કરતાં વધુ વીજળી વાપરી શકે છે, પરંતુ તેમનો ઉપયોગ સામાન્ય રીતે થોડા મિનિટો માટે જ કરવામાં આવે છે. બીજી તરફ, AC સતત 6થી 10 કલાક અથવા તેથી વધુ સમય સુધી ચાલે છે. આ કારણે મહિનાના વીજળીના બિલમાં સૌથી મોટો ફાળો ACનો જ રહે છે.

અહીં તમામ ઉપકરણોની સરખામણી એક કલાકના સતત ઉપયોગના આધારે કરવામાં આવી છે. વાસ્તવિક જીવનમાં મોટાભાગના ઉપકરણોનો ઉપયોગ એટલો લાંબો સમય થતો નથી, તેથી તેમનો કુલ વીજળી વપરાશ ઓછો રહે છે. બીજી તરફ, લાંબા સમય સુધી ચાલતા ACના કારણે કુલ વીજળીનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)