
નેપાળ અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ કરેલો આ અભ્યાસ “Regional Environmental Change” જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધકોના જણાવ્યા મુજબ, ગ્લેશિયર પીગળવા પાછળનું સૌથી મોટું કારણ માનવ યુરિન નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને વધતું તાપમાન છે. જોકે, પર્વતારોહકોનો પેશાબ એક વધારાના પરિબળ તરીકે અસર કરે છે. આ ઉપરાંત, બેઝ કેમ્પ પર બળતણ બાળવાથી અને અન્ય માનવીય પ્રવૃત્તિઓથી પણ આસપાસના વાતાવરણમાં ગરમી વધે છે, જેના કારણે પહેલેથી જ નાજુક ગ્લેશિયર પર વધુ અસર પડી શકે છે.

એવરેસ્ટનું બેઝ કેમ્પ સામાન્ય જમીન પર નહીં, પરંતુ ખુમ્બુ ગ્લેશિયર પર આવેલું છે. પર્વતારોહણની સિઝન દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં આ વિસ્તાર થોડા સમય માટે એક નાના શહેર જેવો બની જાય છે. 2023ની ચઢાણ સીઝનમાં અહીં લગભગ 1,600 તંબુઓ લગાવવામાં આવ્યા હતા. આ તંબુઓમાં રહેવા ઉપરાંત રસોઈ, શાવર, જનરેટર, ઇન્ટરનેટ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આ તમામ વ્યવસ્થાઓ ચલાવવા માટે મોટી માત્રામાં ઇંધણનો ઉપયોગ થાય છે.

અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, 2023ની ચઢાણ સીઝન દરમિયાન એવરેસ્ટ બેઝ કેમ્પમાં લગભગ 824 LPG સિલિન્ડર, 18,935 લિટર કેરોસીન અને 5,130 લિટર પેટ્રોલનો વપરાશ થયો હતો. રસોઈ બનાવવા, તાપ મેળવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે ઇંધણ બાળવામાં આવે છે, જેના કારણે ગરમી પેદા થાય છે. આ વધારાની ગરમી પણ ગ્લેશિયરના વાતાવરણને અસર કરી શકે છે.

એવરેસ્ટ જેવી ઊંચાઈવાળી જગ્યાએ શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પર્વતારોહકોને સામાન્ય કરતાં વધુ પાણી પીવું પડે છે. તેના કારણે તેમના શરીરમાં યુરિનનું પ્રમાણ પણ વધી જાય છે. સંશોધનના અંદાજ પ્રમાણે, 2023ની ચઢાણ સીઝન દરમિયાન બેઝ કેમ્પમાં દરરોજ લગભગ 6,766 લિટર યુરિન ઉત્પન્ન થયું હતું. તેમાંનો મોટો હિસ્સો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવવાને બદલે સીધો ગ્લેશિયર પર જ છોડવામાં આવતો હતો.

માનવ યુરિનનું તાપમાન સામાન્ય રીતે લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે ગરમ યુરિન બરફ પર પડે છે, ત્યારે તેની થોડી ગરમી બરફમાં પહોંચે છે અને પીગળવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. જોકે, યુરિનમાંથી નીકળતી મોટાભાગની ગરમી આસપાસની હવા અને ખડકોમાં ફેલાઈ જાય છે. તેથી વૈજ્ઞાનિકોના મતે,યુરિનના કારણે થતું બરફનું પીગળવું કુલ ગ્લેશિયર નુકસાનની સરખામણીમાં ખૂબ જ નાનો હિસ્સો છે.

આ સંશોધનમાં માત્ર યુરિનના કારણે ગ્લેશિયર પર થતી અસરનું જ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. બેઝ કેમ્પમાં વપરાતા બળતણ અને અન્ય માનવીય પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થતી ગરમીને પણ ગણતરીમાં લેવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, આ પ્રવૃત્તિઓથી લગભગ 849,174 મેગાજૂલ ઊર્જા પેદા થાય છે. આ ગરમીની બરફ પર થતી સંભવિત અસરના આધારે સંશોધકોએ અનુમાન કર્યું કે એક ચઢાણ સીઝનમાં લગભગ 2,492 ટન બરફ અને હિમ પીગળી શકે છે. આ આંકડો અંદાજે 1,964થી 3,020 ટન વચ્ચે હોઈ શકે છે. કુલ બરફ પીગળવામાં યુરિનનો હિસ્સો આશરે 154 ટન હોવાનું અનુમાન છે.

સંશોધકોએ 1991થી 2023 સુધીના Landsat સેટેલાઇટ ડેટાનો અભ્યાસ કરીને એવરેસ્ટ બેઝ કેમ્પના તાપમાનમાં થયેલા ફેરફારોની તપાસ કરી. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે અહીંની સપાટીનું તાપમાન દર વર્ષે સરેરાશ 0.28 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. આ વધારો નજીકના ખુમ્બુ ગ્લેશિયરની સપાટી પર નોંધાયેલા તાપમાન વધારા કરતાં લગભગ બમણો છે. આ બાબત ચિંતાજનક છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલયના ગ્લેશિયરો પહેલેથી જ ઝડપથી પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ 2000 પછી હિમાલયમાં બરફ પીગળવાની ગતિ અગાઉના સમયગાળાની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધી છે.

અભ્યાસમાં ગ્લેશિયર પર આવેલા હાલના બેઝ કેમ્પને ભવિષ્યમાં વધુ સુરક્ષિત અને બરફ વગરની સ્થિર જમીન પર ખસેડવાની ભલામણ કરવામાં આવી છે. સંશોધકોએ હાલના કેમ્પથી દક્ષિણપશ્ચિમ તરફ બે એવા સ્થળોની ઓળખ કરી છે, જ્યાં જરૂર પડ્યે બેઝ કેમ્પને આગામી સમયમાં ખસેડી શકાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)