
આજના સમયમાં ઓરલ હાઈજીન પ્રત્યે લોકો ખૂબ જ સજાગ થયા છે, પરંતુ અતિરેક હંમેશા નુકસાનકારક હોય છે. બજારમાં મળતા ફેન્સી માઉથવોશ અને દાંત સફેદ કરવાના પાવડર કે જેલ વાસ્તવમાં તમારા મોઢાના કુદરતી તંત્રને બગાડી શકે છે.

માઉથવોશ: મિત્ર કે દુશ્મન?: મોટાભાગના માઉથવોશમાં રહેલા કેમિકલ્સ મોઢાના સારા અને ખરાબ એમ બંને પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે. જ્યારે મોઢામાં રહેલા 'સારા' બેક્ટેરિયા ઓછા થાય છે, ત્યારે ફંગલ ઇન્ફેક્શન અને શ્વાસમાં દુર્ગંધ જેવી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને આલ્કોહોલ બેઝ્ડ માઉથવોશ લાળ (Saliva) બનવાની ક્ષમતા ઘટાડે છે. લાળ એ મોઢાને સાફ રાખવા અને એસિડને ન્યુટ્રલ કરવા માટે અત્યંત જરૂરી છે. જો મોઢું સુકાયેલું રહેશે, તો દુર્ગંધ ફેલાવતા બેક્ટેરિયા ઝડપથી વધશે.

વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સનું જોખમ: દાંત ચમકાવતી પ્રોડક્ટ્સમાં 'પેરોક્સાઈડ' જેવા તત્વો હોય છે. તે દાંતને સફેદ તો કરે છે, પરંતુ તેનો સતત ઉપયોગ દાંતના ઉપરના પડ એટલે કે એનામેલ (Enamel) ને નબળું પાડે છે. આનાથી દાંતમાં સેન્સિટિવિટી (ઝણઝણાટી) વધે છે અને પેઢામાં બળતરા કે સોજો આવી શકે છે.

ડોક્ટરની સલાહ: ક્યારે કરવો ઉપયોગ? : નિષ્ણાતોના મતે, માઉથવોશ અને વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સ ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ 'દવા' ની જેમ કરવો જોઈએ, 'આદત' ની જેમ નહીં. જો તમને પેઢાની બીમારી હોય કે ડોક્ટરે સૂચવ્યું હોય તો જ તેનો ઉપયોગ કરો. રોજિંદા જીવનમાં માત્ર બ્રશ અને ફ્લોસિંગ જ પૂરતું છે.

યાદ રાખો, કુદરતી રીતે સ્વસ્થ દાંત જ સૌથી સુંદર છે. કૃત્રિમ ચમક પાછળ દોડતા પહેલા તમારા ડેન્ટિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે, નહીંતર લાંબા ગાળે તમારા દાંત કાયમ માટે નબળા પડી શકે છે.