
ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રીરામ,લક્ષ્મણનાં માતા શબરી સાથેના મિલનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. ત્રેતા યુગનાં રામાયણ કાળમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણે માતા શબરીને ડાંગ જિલ્લાનાં સુબિર પાસેનાં શબરીધામનાં ચમક ડુંગર નામક સ્થળે રૂબરૂમાં દર્શન આપ્યા હતા.

અહીં શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગ્ય હોવાની લોકવાયકા પ્રચલિત છે.ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડયા હોવાથી શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ આસ્થા ધરાવે છે. વર્ષ 2006 દરમિયાન અહીં રામ કથાકાર મોરારી બાપુના સુચનથી ભવ્ય 'શબરી કુંભ મેળા' નું આયોજન પણ કરાયુ હતુ.

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ સાથે પ્રભુ અને શબરી માતાના મિલનનાં દિવસે એટલે કે તા.14 જાન્યુઆરીના રોજ પોષ સુદ ત્રીજ ને મકરસંક્રાંતિએ વહેલી સવારે પંપા સરોવરથી શબરીધામ સુધી સાત કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળશે.