કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સિનિયર ઓફિસરો પાસેથી એરફોર્સ દ્વારા વાવાઝોડાને લઈ તૈયારીઓ જેવી કે પરિવહન, બચાવ વગેરેની જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી. ખાસ એરફોર્સે કરેલી તૈયારીઓ માટે બિરદાવી હતી.
બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ સિનિયર ઓફિસરો પાસેથી એરફોર્સ દ્વારા વાવાઝોડા સંદર્ભે કરાયેલ પરિવહન, બચાવ વગેરે તૈયારીની જાણકારી મેળવીને સમીક્ષા કરી હતી તેમજ એરફોર્સને સમયસૂચકતાથી કરેલ તૈયારીઓ માટે બિરદાવી હતી.
બિપરજોય વાવાઝોડાને લઈ અનેક નુકશાનના કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં સેનાના જવાનો ફાયર સેફ્ટી થી લઈ તમામ સાધનોથી સજ્જ છે. ગરુડ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે.
મનસુખ માંડવીયાએ ખાસ ડિફેન્સ સિક્યુરિટી કોર્પની વધારાની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમ્યાન વિંગ કમાંડર એમ. એસ. રાઠોડે મંત્રીને ટીમની વિશેષતાઓ અને સજ્જતા વિશે જાણકારી આપી હતી.
વાવાઝોડાની પૂર્વ તૈયારી સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભુજ ખાતેની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપોડીની મુલાકાત લીધી હતી.