ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને આ મેચમાં ખરાબ રહી હતી. ભારતીય બોલર્સ ઝડપથી વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ફાઈનલ મેચમાં અશ્વિનની કમી લોકો અનુભવી રહ્યા હતા. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી હતો. તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવો એ ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હતી.
ઓસ્ટ્રેલિયાએ જોરદાર સ્કોર બનાવ્યો હતો, તેથી એવી અપેક્ષા હતી કે ભારતીય બેટ્સમેનો પણ રન બનાવશે, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજા દિવસે આવી તો તેનો ઢગલો થઈ ગયો. ન તો રોહિત શર્માનું બેટ અને ન તો વિરાટ કોહલીનું. ચેતેશ્વર પૂજારા પણ નિષ્ફળ રહ્યો હતો.
અજિંક્ય રહાણે એ ત્રીજા દિવસે પગ જમાવી લીધો હતો. તે સેન્ચુરી ફટકારવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો અને ટીમ ઈન્ડિયા 300 રન પણ બનાવી શકી નહીં. ભારત માટે આ મેચમાં માત્ર બે બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યા અને તે હતા અજિંક્ય રહાણે અને શાર્દુલ ઠાકુર. બંનેએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી.
ચોથા દિવસે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની વિકેટ ઝડપી લેવાની હતી પરંતુ આ કામ થઈ શક્યું ન હતું અને ભારતને 444 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.ચોથા દિવસે ભારતનો બીજો દાવ શરૂ થયો હતો. એવી આશા હતી કે રોહિત અને શુભમન ગિલ ટીમને સારી શરૂઆત આપશે પરંતુ એવું થઈ શક્યું નહીં. પૂજારા પણ આ ઇનિંગમાં ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.
પાંચમાં દિવસે ભારતીય ટીમને જીત માટે 280 રનની જરુર હતી. કોહલી અને રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓ ક્રીઝ પર હતી. પણ ડિફેન્સીવ ક્રિકેટ રમવાના ચક્કરમાં ભારતીય ટીમે વિકેટો ગુમાવી હતી. વિરાટ કોહલીનો આક્રમક અંદાજ આ ટેસ્ટમાં જોવા મળ્યો ના હતો.