
સોમવાર, 28 જુલાઈના રોજ, દિવ્યા દેશમુખે ગ્રાન્ડમાસ્ટર અને ભારતની જ કોનેરુ હમ્પીને હરાવીને મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી. આ જીત સાથે, દિવ્યા FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. દિવ્યાએ ખૂબ જ નાની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, જેના ફળ તેને હવે મળી રહ્યા છે.

દિવ્યાનો જન્મ 9 ડિસેમ્બર 2005ના રોજ નાગપુરમાં થયો હતો. તેણે 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. દિવ્યાએ 2012માં 7વર્ષની ઉંમરે અંડર-7 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. ત્યારબાદ તેણીએ અંડર-10 (ડરબન, 2014), અંડર-12 (બ્રાઝિલ, 2017), અંડર-10 (ડર્બન 2017) વર્લ્ડ યુથ ટાઈટલ જીત્યા હતા.

દિવ્યાએ જુનિયર ગર્લ્સ અંડર-20 ચેમ્પિયનશિપ પણ જીતી હતી, જ્યાં તેણીએ 11 માંથી 10 પોઈન્ટ મેળવ્યા અને ટોચ પર રહી. આ ઉપરાંત, તેણીએ 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે એશિયન જુનિયર ચેમ્પિયન પણ છે.

દિવ્યા દેશમુખે આ વર્ષે FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં વિશ્વની નંબર વન ખેલાડી હૌ યિફાનને હરાવી છે. એટલું જ નહીં, તેણીએ 10 થી 16 જૂન દરમિયાન લંડનમાં યોજાયેલી FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેમ્પિયનશિપના સેમિફાઈનલના બીજા રાઉન્ડમાં ચીનની યિફાનને હરાવી હતી.

દિવ્યાના કોચ શ્રીનાથે જણાવ્યું, 'તે ખૂબ જ આક્રમક ખેલાડી છે પરંતુ સમય જતા દિવ્યા ઓલરાઉન્ડર બની ગઈ છે. તેણે બધા ફોર્મેટમાં સમાન પ્રદર્શન કર્યું છે. તેની સૌથી મોટી તાકાત એ છે કે મુશ્કેલ સમયમાં પણ તે મહેન્દ્ર સિંહ ધોની જેવા ઠંડા મનથી વિચારે છે અને મને આશા છે કે તે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે.' (All Photo Credit : X / Instagram)