
ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ તો શુભમન ગિલને ભવિષ્યનો ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન તરીકે પણ ભાખ્યો છે. હાલમાં જોકે હાર્દિક પંડ્યા ટીમનુ સુકાન સંભાળે છે, તેની આગેવાનીમાં જ ટીમે ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યુ હતુ. સોલંકીએ કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટ તેની સાથે વાત કરતુ રહેશે અને જરુરીયાત સર્જાવા પર તેની સલાહ પણ લેતુ રહેશે. જોકે સોલંકીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, આ મુદ્દા પર અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઓપનર બેટર શુભમન ગિલ માટે ગત સિઝન થી અત્યાર સુધીનો સમય શાનદાર રહ્યો છે. તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો છે. આ પહેલા તેને કોલકાતા નાઈટ રાઈડર્સે રિલીઝ કર્યો હતો અને મેગા ઓક્શનમાં ગુજરાત જાયન્ટ્સે તેને ખરીદ્યો હતો. ગિલે ઓપનર તરીકે ગત સિઝનમાં 483 રન ગુજરાત ટીમ માટે નોંધાવ્યા હતા. તે સિઝનમાં 16 મેચ રમ્યો હતો. ફાઈનલ મેચમાં અણનમ ઈનીંગ રમીને ગુજરાતને ટાઈટલ જીતાડવા માટે મહત્વની ઈનીંગ રમ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે ભારતીય ટીમ માટે શાનદાર રમત દર્શાવી છે. વર્ષ 2022માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેણે સદી જમાવી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી હતી. ત્યાર બાદ તેણે ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવી હતી, તેણે આ વર્ષે એક બેવડી સદી પણ નોંધાવી હતી.