
મહિલા વર્લ્ડ કપ 2022ની 17મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક અંદાજમાં બાંગ્લાદેશને ચાર રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમ માત્ર 140 રન જ બનાવી શકી હતી. પરંતુ તેના જવાબમાં તેણે બાંગ્લાદેશને 136 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જોકે, આ જીત દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ખેલાડી શામિલિયા કોનેલની તબિયત લથડી હતી.

મેચની 48મી ઓવરમાં ફાસ્ટ બોલર શામિલિયા કોનેલ અચાનક જ જમીન પર પડી ગઈ હતી. કોનેલ પીડાથી કણસવા લાગી હતી. પોતાની સાથી ખેલાડીને આટલી પીડામાં તડપતા જોઈને તમામ ખેલાડીઓ તેની તરફ દોડ્યા અને વિન્ડીઝના ફિઝિયો પણ મેદાનમાં પહોંચી ગયા હતા.

શામિલિયા કોનેલની નાદુરસ્ત તબિયત જોઈને તરત જ એમ્બ્યુલન્સ મેદાનમાં આવી અને પછી તેની સારવાર કરવામાં આવી. કોનેલની તબિયતમાં વધુ સુધારો નહી લાગતા તેને એમ્બ્યુલન્સમાંથી બહાર લઇ જવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોનેલના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો અને તે યોગ્ય રીતે ઉભી પણ રહી શકતી નહોતી.

શામિલિયા કોનેલે આ મેચમાં માત્ર 3 ઓવર કરી હતી. તેમના મહત્વપૂર્ણ ઝડપી બોલરની નાદુરસ્ત તબિયત છતાં, વેસ્ટ ઈન્ડિઝે શાનદાર અંદાજમાં મેચમાં જીત નોંધાવી હતી. આ ત્રીજી વખત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક જીત મેળવી છે.

આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝના 6 પોઈન્ટ છે. ભારત પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે સરકી ગયું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ અને દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે.
Published On - 11:36 am, Fri, 18 March 22