
ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર 200મો ખેલાડી: ડેનિયલ વેટ્ટોરી ન્યુઝીલેન્ડ તરફથી ટેસ્ટ રમનાર 200મો ખેલાડી છે. તેણે 1997માં વેલિંગ્ટનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વેટ્ટોરી ન્યુઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર સૌથી યુવા પુરુષ ખેલાડી પણ હતો. જ્યારે તેણે ટેસ્ટ ડેબ્યુ કર્યું ત્યારે તે 18 વર્ષનો હતો. તેની અન્ય સિદ્ધિઓમાં 2007 થી 2011 સુધી ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે પોતાના દેશ માટે સૌથી વધુ ટેસ્ટ અને ODI મેચ રમનાર પુરૂષ ખેલાડી પણ બન્યો. તેણે પોતાની કારકિર્દીમાં 113 ટેસ્ટ અને 295 વનડે રમી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 705 વિકેટ: ડેનિયલ વેટ્ટોરી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે. તેની તાકાત ચોક્કસ લાઈન લેન્થ પર બોલને ફેંકી બેટ્સમેનોને છેતરવામાં રહી છે. આ જ કારણ છે કે વેટ્ટોરી તેની ક્રિકેટ કારકિર્દીમાં 1000થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે, જેમાંથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 705 વિકેટ લીધી છે. વેટ્ટોરીના નામે ટેસ્ટમાં 362, ODIમાં 305 અને T20માં 38 વિકેટ છે.

માત્ર બોલ જ નહીં બેટથી પણ કર્યો કમાલ: બોલ સિવાય બેટથી પણ વેટ્ટોરીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 4531 રન બનાવ્યા છે. ODIમાં તેના 2253 જ્યારે T20માં તેના 205 રન છે. ડેનિયલ વેટ્ટોરી ટેસ્ટમાં 300 વિકેટ ઉપરાંત 3000થી વધુ રન બનાવનાર વિશ્વનો આઠમો ક્રિકેટર છે.